પાલનપુર (Palanpur) ના યુવા અને તેજસ્વી ક્રિકેટર ઉર્વિલ પટેલે (Urvil Patel) આઈપીએલ 2026 (IPL 2026) ના મંચ પર પોતાની બેટિંગથી તરખાટ મચાવી દીધો છે. લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) સામે રમાયેલી મેચમાં ઉર્વિલે માત્ર 13 બોલમાં ફિફ્ટી (Fastest Fifty in 13 Balls) ફટકારીને આઈપીએલના ઈતિહાસના સૌથી ઝડપી અડધી સદીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ઉર્વિલની આ આક્રમક બેટિંગને કારણે સ્ટેડિયમમાં બેઠેલા હજારો દર્શકો સ્તબ્ધ થઈ ગયા હતા.
ઉર્વિલ પટેલની આ ઐતિહાસિક સિદ્ધિ બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ટ્વીટ કરીને તેને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સીએમએ લખ્યું હતું કે, ગુજરાતના યુવાનો રમતગમતના ક્ષેત્રે સતત દેશ અને દુનિયામાં રાજ્યનું ગૌરવ વધારી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ ઐતિહાસિક ઈનિંગ્સ માત્ર પાલનપુર માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે પ્રેરણાનું પ્રતિક છે.
ઉર્વિલની આ ઈનિંગમાં ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી હતી, જેનાથી વિરોધી ટીમના બોલરો લાચાર દેખાતા હતા. રમતગમતના નિષ્ણાતો આ ઇનિંગને આઈપીએલની અત્યાર સુધીની સૌથી રોમાંચક બેટિંગમાંની એક ગણાવી રહ્યા છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે યુવાનો માટે આ સિદ્ધિ આત્મવિશ્વાસ અને સખત પરિશ્રમથી મળતી સફળતાનો શ્રેષ્ઠ સંદેશ છે. ઉર્વિલ પટેલની આ સિદ્ધિએ તેને રાતોરાત ક્રિકેટ જગતનો નવો સ્ટાર બનાવી દીધો છે.