નવીદિલ્હી,તા.20
યુનિયન પબ્લિક સર્વિસ કમીશન (UPSC) ના અધ્યક્ષ મનોજ સોનીએ કાર્યકાળ પૂરો થાય એ પહેલા જ રાજીનામું દેતાં અનેક તર્કવિતર્ક થવા લાગ્યા છે. તેમણે પદ છોડતાં કહ્યું હતું કે હું મારા અંગત કારણોસર આ પદ છોડી રહ્યો છું.
ઉલ્લેખનીય છે કે, મનોજ સોનીનો કાર્યકાળ હજુ 5 વર્ષ બાકી હતો. 2017માં તેઓ યુપીએસસીના સભ્ય બન્યા હતા અને 16 મે 2023ના રોજ તેમને યુપીએસસીનું અધ્યક્ષ પદ સોંપાયું હતું.
સૂત્રો અનુસાર મનોજ સોનીએ લગભગ એક મહિના અગાઉ જ રાષ્ટ્રપતિને રાજીનામું સોંપી દીધું હતું. જોકે એ સ્પષ્ટ નથી કે તેમનું રાજીનામું સ્વીકારાશે કે નહીં. સૂત્રોએ પુષ્ટી કરી હતી કે તેમનો નિર્ણય યુપીએસી ઉમેદવારો નોકરી મેળવવા માટે ફેક પ્રમાણપત્રનો ઉપયોગ કરવા સંબંધિત તાજેતરના વિવાદ સાથે સંકળાયેલો નથી.
જૂન 2017માં યુપીએસસીમાં સામેલ થતા પહેલા મનોજ સોનીએ તેમના ગૃહ રાજ્યમાં બે યુનિવર્સિટીઓમાં ત્રણ કાર્યકાળ માટે કુલપતિ તરીકે ફરજ બજાવી હતી. તેમને 2005માં તત્કાલીન મુખ્યમંત્રી મોદી દ્વારા વડોદરાની એમએસ યુનિવર્સિટીના કુલપતિ બનાવાયા હતા.