UPSC Exam ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર, ગુજરાત સરકાર આપશે રૂ.2.05 લાખ સુધીની પ્રોત્સાહન સહાય

By: Nation Gujarat Team
01 Jul, 2026

UPSC Exam : રાજ્ય સરકારે પ્રોત્સાહન સહાયના દરોમાં સુધારો કરીને યુવાનો માટે સફળતાનો માર્ગ સરળ બનાવ્યો છે. નવી યોજના મુજબ, પ્રિલિમ પરીક્ષાની તૈયારી માટે હવે દર મહિને 4 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે, જે વિદ્યાર્થીઓને પુસ્તકો અને અન્ય અભ્યાસ સામગ્રી વસાવવામાં ખૂબ જ મદદરૂપ થશે.

પ્રિલિમ પાસ કરનાર યુવકોને 35 હજાર અપાશે

આ સહાય માત્ર તૈયારી સુધી જ મર્યાદિત નથી, પરંતુ તબક્કાવાર સફળતા મેળવનાર વિદ્યાર્થીઓ માટે પણ પ્રોત્સાહન રાશિમાં વધારો કરવામાં આવ્યો છે. જો કોઈ ઉમેદવાર પ્રિલિમ પરીક્ષા પાસ કરે, તો યુવકોને 35 હજાર અને યુવતીઓને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.

તેવી જ રીતે, મુખ્ય પરીક્ષામાં સફળ થનાર યુવકોને 45 હજાર અને યુવતીઓને 55 હજાર રૂપિયાની સહાય મળશે. અંતિમ પસંદગી એટલે કે ઈન્ટરવ્યુ અને ફાઈનલ મેરિટમાં સ્થાન મેળવ્યા બાદ યુવકોને 75 હજાર અને યુવતીઓને 1 લાખ રૂપિયાનું વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે. આમ, કુલ પ્રોત્સાહન સહાય યુવકો માટે 1 લાખ 55 હજાર અને યુવતીઓ માટે 2 લાખ 5 હજાર રૂપિયા સુધી પહોંચે છે.

રાજ્ય સરકારે પ્રોત્સાહન સહાયના સુધારેલા દરો અમલમાં મૂક્યા

આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના તેજસ્વી અને હોનહાર યુવાનોને સિવિલ સર્વિસમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. અગાઉ આર્થિક તંગીને કારણે ઘણા વિદ્યાર્થીઓ અધવચ્ચેથી તૈયારી છોડી દેતા હતા, પરંતુ હવે સરકારની આ આર્થિક મદદ તેમને તેમના લક્ષ્ય સુધી પહોંચવામાં સહાયક બનશે.

આ યોજનાના અમલીકરણથી ગુજરાતના વધુમાં વધુ યુવાનો કેન્દ્રિય સેવાઓમાં જોડાશે અને રાજ્યનું ગૌરવ વધારશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં આ નિર્ણયને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તૈયારી કરી રહેલા ઉમેદવારોમાં આ જાહેરાત નવી ઊર્જા ભરી રહી છે.


Related Posts

Load more