વડતાલધામ : ૨૦૦ વર્ષ જૂની પ્રાસાદીક પરંપરા અંતર્ગત મરચાં-લીંબુનું 1,00,000 કિલોનું આથાણું તૈયાર કરાયું
By: Nation Gujarat Team
13 Jan, 2026
વડતાલધામ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામમાં ૨૦૦ વર્ષ જૂની પ્રાસાદીક પરંપરાના પ્રસાદીના મરચાં-લીંબુનું અથાણું ચાલુ વર્ષે એક લાખ કિલો ઉપરાંત તૈયાર થઇ રહ્યું છે. જેમાં ૧ હજાર મણ નિમાડી લીંબુ, ૮૦ હજાર કિલો મરચાં,૧૬૦૦૦ કિલો મીઠું, ૨ હજાર કિલો હળદર, ૬૦૦ લીટર લીંબુંનો રસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અથાણા બનાવવા માટે શિયાળાની સીઝનમાં ઉત્તર ગુજરાત,ચરોતર અને સૌરાષ્ટ્ર પ્રદેશમાંથી લીલા તાજા મરચાં મંગાવવામાં આવે છે.
વડતાલ મંદિરના ચેરમેન ડૉ.સંતવલ્લ્ભદાસજી સ્વામી તથા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વર્ષો પૂર્વે વડતાલ મંદિરમાં હરિભક્તો માટે ભોજનશાળાની વ્યવસ્થા ન હતી. તે અરસામા પૂનમે દેવદર્શન માટે વડતાલ આવનાર પુનમીયા ભક્તો ઘરેથી જે ભાથું લાવેલા હોય અને તેઓ બપોરે જમવા બેસતા ત્યારે તેમને લીંબું-મરચાં અથાણું અપાતું હતું. આજથી ૬૦ વર્ષ પૂર્વે મરચાંનું અથાણું ગુજરાત પુરતું સીમિત હતું. પરંતુ હવે દેશ-વિદેશમાં વડતાલના પરંપરાગત અથાણાએ પણ વિકાસનો વેગ પકડ્યો છે. હાલ વડતાલ મંદિરમાં મરચાને કોચવાની કામગીરી ચાલી રહી છે. જેમાં જલુંધ, દેવા, પેટલી, વટાદરા, બામણગામ, તારાપુર, મોગરી અને સેવાલીયા વિગેરે ગામોના ૩૦૦ ઉપરાંત સ્વયંસેવક ભાઈ-બહેનો સેવામાં જોડાયા છે.
વડતાલ મંદિરના વહીવટ સહયોગી પૂ.શ્યામવલ્લભસ્વામી સને ૨૦૧૦ થી અથાણા વિભાગનો હવાલો સંભાળી રહ્યા છે. તેઓની દેખરેખ હેઠળ છેલ્લા ૧૬ વર્ષથી અથાણું તૈયાર થાય છે. અથાણાની સેવામાં સહાયક કોઠારી ગુણસાગરસ્વામી તથા અમૃતસ્વામી છે. મરચાં-લીંબુંનું અથાણું બનાવવા માટે પ્રથમ લીંબુને ચીરી તેમાં હળદર-મીઠું ભેરવવામાં આવે છે. તેને લાકડાની મોટી કોઠીઓમાં ભરવામાં આવે છે. લીંબું મીઠાના દ્રાવણમાં ગળી ગયા પછી શિયાળાની સીઝનમાં સારી વાડીના મરચાં લાવી મિશ્રિત કરવામાં આવે છે. અથાણા બનાવતી વખતે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. વડતાલ મંદિરનું અથાણું લાંબા સમય સુધી બગડતું નથી.એ એની ખાસ વિશેષતા છે. ચાલુ વર્ષે ૫૨૦૦ મણ અથાણું બની રહ્યું છે. વડતાલનું મરચાનું અથાણું દિન પ્રતિદિન વધુ લોકપ્રિય બની રહ્યું છે. વડતાલ મંદિર પરિસરમાં આવેલ શ્રી હરિકૃષ્ણ ધાર્મિક સ્ટોર વેચાણ માટેનું કેન્દ્ર બન્યું છે.
બોક્ષ
વડતાલના અગ્રણીસંત પૂ.ગોવિંદપ્રસાદસ્વામી (મેતપુરવાળા) તથા પૂર્વ ટ્રસ્ટી પાર્ષદ ઘનશ્યામભગતની પ્રેરણાથી ખેડૂત આગેવાન અને વડતાલના સમર્પિત હરિભક્ત મોહનભાઈ પાટીદાર, તેઓના ભાઈ મધુસૂદનભાઈ પાટીદાર અને ભત્રીજા સતીશભાઈ પાટીદાર ધ્વારા ૧ હજાર મણ લીબુનું દાન કરવામાં આવેલ છે. છેલ્લા બે વર્ષથી ભવરીયાના મોહનભાઈ પાટીદાર ધ્વારા ૧ હજાર મણ લીંબુનું દાન કરી અન્ય હરિભક્તોને દાન માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
૧ હજાર મણ (૨૦૦૦૦ કિલો) નિમાડી લીંબુ
૮૦ હજાર કિલો (૪૦૦૦ મણ) મરચાં.
૧૬૦૦૦ કિલો (૮૦૦ મણ) મીઠું
૨ હજાર કિલો (૧૦૦ મણ)હળદર
૬૦૦ લીટર લીંબુંનો રસ
કુલ વજન ૧૦૫૦૦૦ (૫૨૦૦ મણ)
૧૫ મણ લાકડાની ૩૫ કોઠીઓ
૫ મણના ૨૫૦ પ્લાસ્ટિકના પીપ
૩૦૦ ઉપરાંત સ્વયંસેવકો
બે મહિના (૬૦ દિવસ) ઉપરાંતની સેવા
પ્રસાદીના મરચાં લીંબુના અથાણાનો ઉપયોગ ૬૦ દિવસ બાદ કરવામાં આવે છે.