આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત ‘સોશિયલ મીડિયાના યુગમાં બાળઘડતર’ વિષય ઉપર ૧૦૩ મું પ્રવચન યોજાયું

By: nationgujarat
25 Sep, 2023

ગાંધીનગર ‘આર્ષ’ શોધ સંસ્થાન અક્ષરધામ ગાંધીનગર દ્વારા વિશ્વવંદનીય સંત પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને પ. પૂ. મહંતસ્વામી મહારાજના કૃપાશિષ હેઠળ છેલ્લા ૨૬ વર્ષથી ગંગાના પ્રવાહની જેમ વહેતી આર્ષ પ્રવચનમાળામાં ભારતીય મૂલ્યોનું સંવર્ધન થાય, તે હેતુને લક્ષમાં રાખીને વિદ્વાનો દ્વારા વ્યક્તિવિશેષ, સામાજિક સમસ્યા, દર્શન અને શાસ્ત્ર – વિષયો આવરી ત્રૈમાસિક પ્રવચનનું આયોજન કરવામાં આવે છે. આ ક્રમ અંતર્ગત સામાજિક સમસ્યા વિષયક ‘સોશિયલ મીડિયાના યુગમાં બાળઘડતર’(Parenting in the age of Social media) વિષય પર ૧૦૩માં પ્રવચનનું આયોજન તા. ૨૪-૦૯-૨૦૨૩ના રોજ સાંજે ૦૪.૩૦ થી ૦૭.૦૦ સમય દરમ્યાન અક્ષરધામ, હરિમંદિર, સભાગૃહ ખાતે યોજાયું હતું. આ પ્રસંગે વક્તા તરીકે ડૉ. હિરેન ડી. મોદી, DNB, Pediatrics, Neonatology, બી.એ.પી.એસ. યોગીજી મહારાજ હોસ્પિટલ, શાહીબાગ, અમદાવાદ તથા બાળપ્રવૃત્તિ, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ, મંદિર, દાદર, મુંબઈ પૂ. અક્ષરકીર્તનદાસ સ્વામીએ પ્રવચનનો લાભ આપ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. પ્રવચનમાં 2500 થી પણ વધુ શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. હિરેન ડી. મોદીએ ‘સોશિયલ મીડિયાના યુગમાં બાળઘડતર’(Parenting in the age of Social media) વિષયક વાત કરતાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના યુગમાં આપણું જીવન હોવું જોઈએ કે સોશિયલ મીડિયા આપણા જીવનમાં તે આપને નક્કી કરવાનો સમય આવી ગયો છે. તેમણે સત્ય ઘટનાના પ્રસંગોની વાત કરતાં જણાવ્યું કે, નાના-નાના બાળકો મોબાઈલની પાછળ પાગલ થતા જોઈએ છીએ, સોશિયલ મીડિયાના લપસણા માર્ગ પર દિશાહીન થતા જોઈએ છીએ, ઓનલાઇન હિંસક વિડીયો ગેમ્સ કે વિકૃત વિડીયો સિરીઝ પાછળ અંધ બનતા જોઈએ છીએ ત્યારે માનસિક તો નુકશાન તો કરે છે પરંતુ સાથે સાથે ઘણું આર્થિક નુકસાન કરાવે છે. માતા-પિતા બાળકોને શાંત રાખવા માટે મોબાઈલ પકડાવી દે છે. તેમાં બાળકો તો શાંતિથી બેસી રહે છે પણ તેમને ખબર નથી કે તે તેને ભવિષ્યમાં આદત પાડી દેશે અને નુકસાનકારક છે. ન જોવાનું જોવા લાગે છે. બાળકને સ્માર્ટ ફોન આપ્યો પણ તેને શું જોવું ન જોવું તે શીખવ્યું નથી. માતા-પિતા બાળક સાથે વાર્તાલાપ કરવાને બદલે મોબાઇલ પકડાવી દે છે. એક સંશોધન પ્રમાણે USA માં 66% માતા-પિતા સોશિયલ મીડિયામાં સપડાયેલા છે. બાળઘડતરમાં ધ્યાન આપતા નથી

કોરોનાં સમયમાં પણ સોશિયલ ડિસ્ટન્સ એ ખરેખર તો ફિઝીકલ ડિસ્ટન્સ હતું, એમ અહીં પણ સોશિયલ મીડિયાના ખૂબ જ ચાલાકીથી ઉપયોગ કરનારના મન પર પોતાનો કાબૂ મેળવી લે છે. પ્રમુખસ્વામી મહારાજ કહેતા ટેકનોલોજીનો ઉપયોગ વિવેકથી કરો તો આશીર્વાદ નહિતર અભિશાપ.

1970માં ઈન્ટરનેટનો ઉદ્દભવ થયો ત્યારથી લઈ વોટ્સએપ, Facebook, twitter, Instagram વગેરે આવ્યા, તેનું જમા પાસું એ કે એકબીજા સાથે કોમ્યુનિકેશન કરી શકાય, પોતાની આવડત સમાજ આગળ મૂકવી, અભ્યાસ માટે લર્નીંગ માહિતી મેળવવી, એન્ટરટેન્ટમેન્ટ, કોમ્યુનિટી સાથે જોડાયેલ રહેવાય, અવેરનેસ માટે ઉપયોગી છે.

 

તેનું ઉધાર પાસું-નુકસાન- સાઈબર હેગીંગ, રેગિંગનું પ્રમાણ વધ્યું, સોશિયલ મીડિયામાં પોતાના પ્રાઈવેટ ડેટા જરા પણ ભૂલ થાય તો મોટા નુકશાનનો ભય રહે છે, અંગત બાબતોની ચિંતા, આડ અસર, માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો વધ્યા છે. ખૂબ જ નકારાત્મક અસર થાય છે. Anxiety, Depression, Low Self Esteem, Loneliness, FOMO Fear of Missing Out વગેરે. માણસ એકલવાયું જીવન જીવતો થયો, હતાશા, લઘુતાગ્રંથિનો અનુભવ, પક્ષાઘાત જેવા રોગોનું પ્રમાણ પણ વધતું ગયું છે. બેઠા-બેઠા મોબાઈલ રમતા હોય છે. બેધ્યાનપણું, ખરાબ શૈક્ષણિક કારકિર્દી તેમજ અસ્વાભાવિક સરખામણીઓ અને સ્પર્ધા માટે ડિઝિટલ યુગ જવાબદાર છે. બાળકો માતા-પિતા અને વડીલોને જોઈને આંધળું અનુકરણ કરે છે. સતત મોબાઈલ જોવાના કારણે ઊંઘ પણ ઓછી થાય, આંખોને પણ નુકશાન થાય છે અને ખોટી માહિતીનો ફેલાવો પણ થાય છે.

 

જો આપણો મોબાઇલ ખોવાઈ જાય અથવા બગડી જાય તો આપણી માનસિક સ્થિતિ જાણે શરીરનું કોઈ અંગ કપાઈ ગયું ન હોય! એવી થઈ જાય છે. 90 ટકા બાળકોના વાલી પાસે smartphones છે પણ Thermometer લગભગ 20 ટકા થી ઓછા પાસે હશે.

એક સર્વે અનુસાર દરેક વ્યક્તિ 2 થી 5 મિનિટે પોતાનો મોબાઈલ ચેક કરે છે. કોરોનાની મહામારીએ જ્યાં એક તરફ લોકોને કૌટુંબિક જીવનનું મૂલ્ય સમજાવ્યું છે તો બીજી બાજુ સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાનું ભયંકર દૂષણ પણ આપી ગયું છે. હવે તો OTT પ્લેટફોર્મ પર વિડીયોની હારમાળા તો બીજી બાજુ ઓનલાઈન Rummy એટલે કે જુગાર રમી શકાય એવી apps પણ આવી ગઈ છે. ટૂંકમાં આવનારી પેઢીને રજોગુણ, તમોગુણ તરફ સરકાવાના તમામ રસ્તાઓ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે.

પ્રવચનના અંતમાં આર્ષ ત્રૈમાસિક પ્રવચનમાળાની પ્રણાલી મુજબ આગામી 104માં દર્શન-ચિંતન વિષયક પ્રવચન ‘અધ્યાત્મ વિશ્વમાં સ્વામિનારાયણ અક્ષરધામ મહામંદિરોનું યોગદાન’ની રૂપરેખા બીએપીએસ અક્ષરધામ ગાંધીનગરના સંતશ્રી, પૂ. દિવ્યસંકલ્પદાસ સ્વામીએ આપી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ.ભ. ગૌરવભાઈ ઠક્કરે કર્યું હતું. છેલ્લે પ.ભ. પ્રશાંતભાઈ ભટ્ટ શાબ્દિક આભારવિધિ કરી હતી.


Related Posts

Load more