અંડર-19 વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકામાં રમાશો. ટુર્નામેન્ટ 19 જાન્યુઆરીથી શરૂ થશે અને ટાઇટલ મેચ 11 ફેબ્રુઆરીએ યોજાશે. આ ટૂર્નામેન્ટ માટે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકામાં ત્રિકોણીય શ્રેણી પણ રમશે. જે ખેલાડીઓ વર્લ્ડ કપમાં રમશે તે જ ખેલાડીઓ તે શ્રેણીમાં પણ ભાગ લેશે. પંજાબના ઉદય સહારનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે એશિયા કપમાં પણ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. મધ્યપ્રદેશના સૌમ્ય કુમાર પાંડેને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયા ગ્રુપ Aમાં બાંગ્લાદેશ, આયરલેન્ડ અને અમેરિકાની સાથે છે. ભારત 20 જાન્યુઆરીએ બ્લૂમફોન્ટેનમાં બાંગ્લાદેશ સામેની મેચથી તેના U19 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. આ પછી, તે અનુક્રમે 25 અને 28 જાન્યુઆરીએ આયર્લેન્ડ અને યુએસએ સામે તેની આગામી બે ગ્રુપ મેચ રમશે. આ ટુર્નામેન્ટની ફાઈનલ 11 ફેબ્રુઆરીએ બેનોનીમાં રમાશે.
અંડર-19 વર્લ્ડ કપમાં ભારત સૌથી સફળ ટીમ છે. અત્યાર સુધી ભારતીય ટીમ 5 વખત ટૂર્નામેન્ટનો ખિતાબ જીતી ચૂકી છે. છેલ્લી ચાર ટુર્નામેન્ટમાં ભારત દરેક વખતે ફાઈનલ રમ્યું છે. 2000 માં, મોહમ્મદ કૈફની કેપ્ટન્સીમાં ભારત પ્રથમ વખત ચેમ્પિયન બન્યું હતું. જે બાદ ભારતીય ટીમ 2008, 2012, 2018 અને 2022માં પણ ચેમ્પિયન રહી હતી.
ટીમ આ પ્રમાણે છેઃ અરશિન કુલકર્ણી, આદર્શ સિંહ, રૂદ્ર મયુર પટેલ, સચિન ધાસ, પ્રિયાંશુ મોલિયા, મુશીર ખાન, ઉદય સહારન (કેપ્ટન), અરવેલ્લી અવનીશ રાવ (વિકેટકીપર), સૌમ્ય કુમાર પાંડે (વાઈસ-કેપ્ટન), મુરુગન અભિષેક, ઇનેશ મહાજન (વિકેટકીપર), ધનુષ ગૌડા, આરાધ્યા શુક્લા, રાજ લિંબાણી, નમન તિવારી.