ટ્રમ્પનું ગાંડપણ : ચીનનો 100 ટકા ટેરિફ માફ, ભારત પર 100 ટકા ટેરિફ

By: Nation Gujarat Team
21 Oct, 2025

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી મુદ્દે એક સપ્તાહમાં બીજી વખત ભારતને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. પીએમ મોદીએ હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ નહીં ખરીદવાનું આશ્વાસન આપ્યું છે તેવું ટ્રમ્પે કહ્યા પછી પાંચ જ દિવસમાં ભારતને જંગી ટેરિફ નાંખવાની ધમકી આપી છે. બીજીબાજુ રશિયા પાસેથી ભારત કરતાં વધુ ક્રૂડ ઓઈલ ખરીદનાર ચીન પર ૧૦૦ ટકા ટેરિફ ઘટાડવાના સંકેતો આપ્યા છે. ટ્રમ્પનું આ ગાંડપણ ભારતીય અર્થતંત્રને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. ટ્રમ્પના ટેરિફના કારણે ભારત અને અમેરિકાના સંબંધો મુશ્કેલીમાં મુકાતા ભારત ચીન સાથે સંબંધો સુધારી રહ્યું છે. ભારતે ચીનમાંથી આયાત વધારી છે. આવા સમયે ટ્રમ્પ ભારત પર જંગી ટેરિફ નાંખે તો ભારતીય સામાનની અમેરિકામાં નિકાસ ઘટી જાય. બીજીબાજુ ચીનના સામાનની ભારતમાં આયાત વધે તો ભારત માટે સૂડી વચ્ચે સોપારી જેવો ઘાટ સર્જાવાનું જોખમ છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એરફોર્સ વનમાં પત્રકારોને કહ્યું, પીએમ મોદીએ મને રશિયન ક્રૂડ ઓઈલ નહીં ખરીદવાની ખાતરી આપી હતી. પરંતુ તેઓ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખશે તો તેમણે જંગી ટેરિફ ચૂકવવો પડશે. અને તેઓ જંગી ટેરિફ ચૂકવવા માગતા નથી. ટ્રમ્પને રશિયા પાસેથી ઓઈલ ખરીદી અંગે ભારતની પ્રતિક્રિયા અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું, મને વિશ્વાસ નથી આવતો કે તેમણે આવું કહ્યું છે. મેં વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે તેઓ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરી દેશે.

આ પહેલાં ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરે છે તે બાબતથી અમેરિકા ખુશ નથી. આવી ખરીદીથી રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનને યુક્રેન સામેનું યુદ્ધ ચાલુ રાખવામાં મદદ મળે છે. ટ્રમ્પના આ દાવાને ભારતીય વિદેશ મંત્રાલયે નકારી કાઢ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે ફોન પર કોઈ વાતચીત થઈ નથી. ભારત પોતાના ગ્રાહકોના હિતોના રક્ષણ સાથે કોઈ પ્રકારની સમજૂતી નહીં કરે.


Related Posts

Load more