ડૉલર પર હવે ટ્રમ્પના હસ્તાક્ષર, યુદ્ધ વચ્ચે 165 વર્ષમાં પહેલીવાર અમેરિકામાં બદલાશે પરંપરા

By: Nation Gujarat Team
27 Mar, 2026

US Dollar Trump Signature: અમેરિકન ચલણી નોટોના ઇતિહાસમાં 165 વર્ષ બાદ એક મોટો અને ઐતિહાસિક ફેરફાર થવા જઈ રહ્યો છે. અમેરિકાના ટ્રેઝરી વિભાગે જાહેરાત કરી છે કે આ ઉનાળાથી યુએસ પેપર કરન્સી પર ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર જોવા મળશે. અમેરિકાના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હશે જ્યારે કોઈ કાર્યકાળ દરમિયાન અમેરિકન પ્રમુખના હસ્તાક્ષર ચલણી નોટો પર છાપવામાં આવશે. આ ફેરફાર અમેરિકાની આઝાદીની 250મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવી રહ્યો છે.

165 વર્ષ જૂની પરંપરાનો અંત, હવે ડૉલર પર ટ્રમ્પના હસ્તાક્ષર

આ નવા ફેરફાર મુજબ, જૂન મહિનાથી 100 ડૉલરની પ્રથમ નોટો છાપવામાં આવશે, જેમાં ટ્રમ્પ અને ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટના હસ્તાક્ષર હશે. ખાસ વાત એ છે કે, 1861થી ચાલી આવતી પરંપરાનો અંત આવશે, કારણ કે હવેથી નોટો પર યુએસ ટ્રેઝરરના હસ્તાક્ષર લેવામાં આવશે નહીં. લિન્ના માલેરબા છેલ્લા ટ્રેઝરર હશે જેમના હસ્તાક્ષર અત્યાર સુધીની નોટો પર જોવા મળતા હતા. હાલમાં પૂર્વ પ્રમુખ જો બાઈડનના સમયના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેનના હસ્તાક્ષર વાળી નોટોનું ઉત્પાદન ચાલુ છે, પરંતુ ટૂંક સમયમાં નવી નોટો બજારમાં ફરતી થશે.

જીવિત વ્યક્તિની તસવીર છાપવા પરના કાયદાકીય અવરોધો

ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે આ નિર્ણયને યોગ્ય ઠેરવતા જણાવ્યું હતું કે, ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન અમેરિકાનો આર્થિક વિકાસ અને ડૉલરની મજબૂતી ઐતિહાસિક રહી છે, તેથી ચલણી નોટો પર તેમનું નામ હોવું એ દેશની સિદ્ધિઓનું સન્માન છે. જોકે, કાયદાકીય મર્યાદાઓને કારણે જીવિત વ્યક્તિની તસવીર સિક્કા પર છાપી શકાતી નથી, તેથી નોટોની ડિઝાઇનમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવશે નહીં, માત્ર હસ્તાક્ષર બદલાશે. ‘ઇન ગોડ વી ટ્રસ્ટ’ જેવા શબ્દો અને મૃત વ્યક્તિઓના પોટ્રેટ નોટો પર યથાવત રહેશે.


Related Posts

Load more