ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દિલ્હની (Delhi) મુલાકાતે છે. દરમિયાન તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને વિવિદ મુદ્દાઓ પર કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકારને ઘેરી ગંભીર આરોપ સાથે આકરા પ્રહાર કર્યા છે. દરમિયાન, તેમણે ગુજરાત રાજ્યનાં બહુચર્ચિત ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) પ્રમુખ મોન્ટુ પટેલ કૌભાંડ કેસ અંગે પણ નિવેદન આપ્યું હતું. શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) આરોપી મોન્ટુ પટેલ અને BJYM ના પ્રશાંત કોરાટનાં (Prashant Korat) ફોટા દર્શાવી આક્ષેપ કરી કહ્યું હતું કે, ભાજપના યુવા મોરચાના પદાધિકારી અને મોન્ટુ પટેલ વચ્ચે મિત્રતા છે. PCI ના પ્રમુખ મોન્ટુ પટેલ સામે બે વર્ષ પહેલા ફરિયાદ થઇ હતી. પરંતુ, 2 વર્ષ સુધી કોઈ તપાસ ન થઈ, ફરિયાદનાં 2 વર્ષ બાદ હવે FIR દાખલ થઈ છે.
શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો કે, કોર્ટે ઓર્ડરમાં CBI દ્વારા ધરપકડ ન કર્યાનો અને આરોપીને સમન્સ ન આપ્યાનો ઉલ્લેખ કરાયો હતો. CBI એ તપાસ બાદ પણ પૂરતા તથ્યો અને પુરાવા રજૂ નહોતા કર્યા. મસમોટા કૌભાંડમાં મોન્ટુ પટેલ (Montu Patel) સંડોવાયેલ હોવા છતા પ્રોટેક્શન મળ્યું. CBI એ હાઈકોર્ટમાં જવુ જોઈએ, છતાં તપાસ એજન્સી ન ગઈ. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) પણ આરોપીને સજા મળે તે માટે પત્ર લખ્યો હતો. ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રમુખે આરોપ લગાવ્યો કે, ભાજપની સરકારમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. આરોપીઓને બચાવી લેવામાં આ સરકાર મોખરે છે. તપાસ એજન્સીઓ દ્વારા પુરાવા આપવા છતાં આરોપીઓ છૂટી જાય છે.