Ahmedabad Crime News : ગત બીજી ઓગસ્ટની રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાના ક્લબ પર અચાનક ત્રાટકીને એક મોટા હાઇપ્રોફાઇલ જુગારધામ પર રેઇડ કરી હતી. સ્થાનિક પોલીસને જાણ ના થાય તે રીતે પાડવામાં આવેલા આ મેગા દરોડામાં 187 જેટલા જુગારીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની પાસેથી લાખો રૂપિયાનો જંગી મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો.
આટલા મોટા પાયે જુગારધામ ધમધમતું હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ હોવાના મામલે રાજ્ય પોલીસ વડાએ કડક વલણ અપનાવ્યું છે. પોતાના વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવામાં નિષ્ફળ રહેવા બદલ અને ફરજમાં દાખવેલી ઘોર બેદરકારીના કારણે દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ (PI) જી. વી. ગોહિલ, પીએસઆઈ તેમજ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઇ (PSI) ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાનો આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.
દરિયાપુર પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ સામે લેવાયેલા આ એક્શન બાદ વહીવટી કામગીરી ખોરવાય નહીં તે માટે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી છે. સસ્પેન્શનની કાર્યવાહીને પગલે ખાલી પડેલી જગ્યાને લઈને દરિયાપુર પોલીસ સ્ટેશનનો સંપૂર્ણ ચાર્જ હવે શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇને વિધિવત રીતે સોંપી દેવામાં આવ્યો છે.