મોબાઈલ “સ્ક્રીન”થી મુક્ત થઈને ધર્મ અને સંસ્કારના “સીન” તરફ વળવું જોઈએ.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ મણિનગર ખાતે પવિત્ર અધિકમાસના પાવન અવસરે “શ્રી હરિચરિત્રામૃત” કથા યોજવામાં આવી હતી. તેની અમાવાસ્યા પ્રસંગે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે સામૂહીક ધ્યાન, ભજન, કીર્તન કરવામાં આવ્યા હતા.
આ કથાના વક્તાપદે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ શ્રોતાઓને ૭ દિવસ સુધી શ્રી સ્વામિનારાયણ ભગવાનના વિવિધ દિવ્ય લીલા ચરિત્રોનું શ્રવણ કરાવ્યું હતું. સાથે – સાથે આપણું જીવન આધ્યાત્મિક કેવી રીતે બને તે માટે પ્રેરણાદાયી પ્રસંગો દ્વારા માર્ગદર્શન આપ્યું હતું.
સાધુ પ્રેમવત્સલદાસજીએ વિશેષમાં યુવાનો અને વડીલોએ કેવું જીવન જીવવું જોઈએ તે અંગે જણાવ્યું હતું કે, આજના યુવાનોની ઈચ્છા હોય છે કે, સફળતા પ્રાપ્ત કરીને શિખરે પહોચવું. પરંતુ સફળ થવા માટે પોતાના મનથી અને સોશિયલ મીડીયાની રીલ્સથી મુક્ત થવું પડશે. અધિકમાસ આપણને એ જ શીખવે છે કે, જીવનમાં જ્યાં સુધી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિરુપી આ ચાર સદ્ગુણોનું સિંચન નહીં થાય, ત્યાં સુધી ગમે તેટલી ભૌતિક સમૃદ્ધિ કે સફળતા આંતરિક શાંતિ નહીં આપી શકે.
યુવાનોએ વ્યસનમુક્ત બનવું જોઈએ, માતાપિતાને પગે લાગવું જોઈએ. નિત્ય મંદિરે જવું જોઈએ. નિત્ય ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. આ ચાર નિયમો તમો પાળશો તો તમો અવશ્ય સુખી થશો.
વડીલોએ માત્ર આદેશ આપવાને બદલે માર્ગદર્શક બનીને આ નવી પેઢી સાથે તાલમેલ મેળવીને જીવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. યુવાનોને પ્રેમથી સમજાવવા પ્રયત્ન કરવો જોઈએ.
આ કથામૃતનો દેશ અને વિદેશના ભક્તો પણ લાભ લઈ શકે તે માટે લાઈવ પ્રસારણ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર કરવામાં આવ્યું હતું.