લંડનના કુમકુમ મંદિર ખાતે ૧૩મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી.

By: Nation Gujarat Team
04 Aug, 2026

સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – લંડન સ્ટેનમોર ખાતે ૧૩મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે શ્રી ઘનશ્યામ મહારાજનું પૂજન – અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પંચામૃત અને પુષ્પોથી અભિષેક કરવામાં આવ્યો હતો.

શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી.

આ પ્રસંગે અમદાવાદથી શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરીકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી પધાર્યા હતા અને તેમણે બધો ધાર્મિક વિધિ કરાવ્યો હતો. ત્યારબાદ તેમણે ઉપસ્થિત સત્સંગીઓને કથામૃતનું પાન કરાવ્યું હતું.

આ પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ મંદિરોની વિશેષતા અંગે જણાવ્યું હતું કે, મંદિરો સમાજ નિર્માણ અને સંસ્કૃતિ જતનનું દિવ્ય કેન્દ્ર છે. વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સનાતન મૂલ્યોને જીવંત રાખવામાં મંદિરોની ભૂમિકા અતિ મહત્વની રહી છે. લંડન જેવા આધુનિક અને વેગવંતા શહેરમાં મંદિર એ માત્ર શ્રદ્ધાનું ધામ નથી, પણ સમાજ નિર્માણનું વટવૃક્ષ છે.

મંદિરોના માધ્યમથી ​સંસ્કાર, સંસ્કૃતિ અને સત્સંગનું જતન થાય છે.

જેમ ખોરાકને બગડતો અટકાવવા માટે ‘ફ્રિજ’ની જરૂર પડે છે, તેમ આજના આધુનિક યુગમાં મનુષ્યના મન, ચરિત્ર અને સંસ્કારોને સુરક્ષિત રાખવા માટે સમાજને ‘મંદિર’ની અનિવાર્ય જરૂરિયાત છે. મંદિરોને કારણે લોકો અઠવાડિયે રવિસભા અને સત્સંગમાં જોડાય છે, જેનાથી કૌટુંબિક પ્રેમ, ભાઈચારો અને સદભાવના સુદ્રઢ બને છે.

મંદિર યુવાનોને દુર્વ્યસનોથી દૂર રાખી ઉચ્ચ સંસ્કાર, સેવાભાવના અને માનસિક શાંતિ પ્રદાન કરે છે.

જેમ બીજા દેશમાં પ્રવેશવા માટે એમ્બેસીમાંથી ‘વિઝા’ લેવા પડે છે, તેમ શ્રી સ્વામિનારાયણના અક્ષરધામ (મોક્ષ)ના વિઝા મેળવવા માટે મંદિર એ પૃથ્વી પરની ‘દિવ્ય વિઝા ઓફિસ’ છે.

આ પ્રસંગે શાસ્ત્રી શ્રી હરીકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી જણાવ્યું હતું કે, વિદેશમાં ઉછરતી નવી પેઢી પોતાની મૂળ ભારતીય ભાષા, કળા અને મૂલ્યો સાથે જોડાયેલી રહે તે માટે મંદિર ‘સંસ્કારપીઠ’નું કાર્ય કરે છે. તેથી મંદિરમાં અવશ્ય આવીને સત્સંગનો લાભ લેવો જોઈએ.​ ટૂંકમાં, મંદિરો છે તો આપણી સંસ્કૃતિ અને નીતિ-મૂલ્યો સુરક્ષિત છે.

આ કુમકુમ મંદિરના ૧૩માં પાટોત્સવ પ્રસંગે સૌએ જીવન અને સમાજ ઉત્કર્ષ માટે સંકલ્પબદ્ધ થઈ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.

આ પ્રસંગે મોટી સંખ્યામાં સત્સંગી હરિભક્તોએ લાભ લીધો હતો.


Related Posts

Load more