T20 વિશ્વકપ વિજેતા ટીમને કેટલા કરોડ રુપિયા મળશે ઈનામ? જાણો

By: nationgujarat
29 Jun, 2024

T20 વિશ્વકપ 2024 ની ફાઈનલ મેચ શનિવારે બાર્બાડોઝમાં રમાનારી છે. 29 જૂને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જબરદસ્ત ટક્કર જામશે. ટીમ ઈન્ડિયા 11 વર્ષથી ICC ટ્રોફીને હાથમાં ઉંચકવા માટેની પળની ઉજવણી કરવાની રાહ જોઈ રહી છે. રોહિત શર્મા આજે એક દશકની રાહ ખતમ કરશે એવી ક્રિકેટ ચાહકોને આશા છે. ટ્રોફી જીતનારી ચેમ્પિયન ટીમને જીત સાથે કેટલા રુપિયા ઈનામ મળશે? આ સવાલનો જવાબ પણ અહીં જ છે.

ICC એ પહેલાથી જ T20 વિશ્વકપ 2024 ના ચેમ્પિયન માટે પ્રાઈઝ મનીને જાહેર કરી દીધી છે. આ વખતે ઈનામી રકમમાં ખૂબ જ મોટો વધારો પણ જોવા મળી રહ્યો છે. માત્ર ચેમ્પિયન ટીમ જ નહીં પરંતુ ફાઈનલમાં હારનારી ટીમ પણ માલામાલ બનશે.

કેટલી હશે પ્રાઈઝ મની? જાણો

આ વખતે ICC એ પ્રાઈઝ મનીમાં વધારો કરતા 11.25 મિલિયન ડોલર ઈનામ રાખ્યું છે. ભારતીય ચલણ મુજબ ઈનામી રકમ લગભગ 93.7 કરોડ રુપિયા જેટલું માનવામાં આવે છે. વિજેતા ટીમને આમ અધધ રકમ મળનારી છે. ચેમ્પિયન ટીમને 2.45 મિલિયન ડોલરની રકમ મળશે, જે ભારતીય ચલણ મુજબ 20 કરોડ 42 લાખ રુપિયા જેટલી થવા જાય છે.

તો વળી, ફાઈનલમાં હારનારી ટીમને પણ કરોડો રુપિયા મળનારા છે. ફાઈનલમાં હારનારી ટીમને 1.28 મિલિયન ડોલર રકમ મળશે. જે ભારતીય રુપિયામાં 10.67 કરોડ રુપિયા જેટલી થવા પામે છે. આ અંગેનું એલાન પણ પહેલાથી જ કરવામાં આવ્યું હતુ.

આ ટીમોને પણ મળશે આટલી રકમ

ફાઈનલમાં પહોંચનારી ટીમોને જ નહીં પરંતુ સેમીફાઈનલમાં પ્રવેશ મેળવનારી ટીમોની પર પણ કરોડો રુપિયાનો વરસાદ થવાનો છે. સેમીફાઈનલમાં હારનારી ટીમો અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમોને 7 લાખ 87 હજાર 500 ડોલર રકમ મળશે. જે ભારતીય રુપિયા પ્રમાણે આ રકમ 6.5 કરોડ રુપિયા જેટલી છે.

સુપર-8ના તબક્કામાં પહોંચીને બહાર થનારી ટીમોને પણ ICC તરફથી રકમ મળશે. જેમાં સહ યજમાન અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમોને પણ 3.17 કરોડ રુપિયાની રકમ મળશે. જ્યારે ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમોએ હિસ્સો લીધો હતો. જેમાં 9 થી 12 સ્થાન સુધી રહેનારી ટીમોને 2.6 કરોડ રુપિયા અને 13થી 20 સ્થાન સુધી રહેનારી ટીમોને 1.87 કરોડ રુપિયાની રકમ ICC તરફથી મળનારી છે.


Related Posts

Load more