Australia T20 World Cup 2024 Squad: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુધવારે યુનાઇટેડ સ્ટેટ્સ અને વેસ્ટ ઇન્ડિઝમાં 1-29 જૂન દરમિયાન યોજાનાર T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. મિશેલ માર્શને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથ 2014 બાદ પ્રથમ વખત વર્લ્ડ કપ ટીમમાંથી બહાર થયો છે.
લગભગ 18 મહિનાથી T20 ક્રિકેટમાં ન રમનાર એશ્ટન અગર અને કેમરૂન ગ્રીનને ઓલરાઉન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ નાથન એલિસની સાથે ટીમમાં ઝડપી બોલિંગમાં મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને જોશ હેઝલવુડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય મેથ્યુ વેડને જોશ ઈંગ્લિસની સાથે બે વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
ટ્રેવિસ હેડ અને ગ્લેન મેક્સવેલ જેવા સ્ટાર ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ અને વનડે કેપ્ટન પેટ કમિન્સની પણ પસંદગી કરાઇ છે.
ઓસ્ટ્રેલિયા 2021માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું. આવી સ્થિતિમાં આ વખતે પણ ઓસ્ટ્રેલિયા ટાઇટલ જીતવાના પ્રબળ દાવેદારોમાંનું એક હશે. બોર્ડે ટુર્નામેન્ટ માટે ટીમના મોટાભાગના અનુભવી ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ IPL 2024માં વિસ્ફોટક ઇનિંગ રમી રહેલા જેક ફ્રેઝર મેકગર્કને ટીમનો ભાગ બનાવ્યો નથી. ઓસ્ટ્રેલિયાએ માર્કસ સ્ટોઈનિસને તક આપી છે.
ઓસ્ટ્રેલિયાની T20 વર્લ્ડ કપ ટીમ
મિશેલ માર્શ (કેપ્ટન), એશ્ટન અગર, પેટ કમિન્સ, ટિમ ડેવિડ, નાથન એલિસ, કેમરૂન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.