IPL 2024ની મેચો ચાલી રહી છે પરંતુ તેની સાથે T20 વર્લ્ડ કપ 2024નું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. આ માટે ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયાની જાહેરાત થવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી 27 અથવા 28 એપ્રિલે થઈ શકે છે. સમાચાર છે કે આ બેમાંથી એક તારીખે કેપ્ટન રોહિત શર્મા અને ભારતીય પસંદગીકારો બેસીને ટીમ ઈન્ડિયાની પસંદગી કરશે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરવાની છેલ્લી તારીખ 1 મે છે.
ટીમ ઈન્ડિયાની પસંદગી માટે 27મી એપ્રિલ અથવા 28મી એપ્રિલને નિશ્ચિત તારીખ માનવામાં આવી રહી છે કારણ કે તે તારીખે કેપ્ટન રોહિત શર્મા પણ દિલ્હીમાં હશે. IPL 2024ના શેડ્યૂલ મુજબ મુંબઈ ઈન્ડિયન્સની મેચ 27 એપ્રિલે દિલ્હીમાં છે. આવી સ્થિતિમાં ભારતીય પસંદગીકારો સાથેની તેમની બેઠક અને ટીમની પસંદગી બંનેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
બીસીસીઆઈના ચીફ સિલેક્ટર અજીત અગરકર પણ સ્પેનથી રજાઓ બાદ આ સિલેક્શન મીટિંગ માટે ભારત પરત ફર્યા છે. 30 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ સાથે મુંબઈ ઈન્ડિયન્સની મેચને ધ્યાનમાં રાખીને 27 અથવા 28 એપ્રિલની તારીખ ટીમની પસંદગી માટે યોગ્ય માનવામાં આવી રહી છે. કારણ કે આ દરમિયાન ભારતીય કેપ્ટનની સાથે પસંદગીકારો પણ દિલ્હીમાં હશે
હવે સવાલ એ છે કે T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં કયા ખેલાડીઓની પસંદગી થઈ શકે છે? તો અમે તમને જણાવી દઈએ કે ઓછામાં ઓછા 10 ખેલાડીઓના નામ નક્કી કરવામાં આવ્યા છે, જેમને પસંદ કરી શકાય છે. આ 10 ખેલાડીઓમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, શુભમન ગિલ, કેએલ રાહુલ, કુલદીપ યાદવ, જસપપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજના નામ છે.
હાર્દિક પંડ્યા પ્રથમ 10 નામોમાં નથી કારણ કે તેના વિશે કોઈ સાચી માહિતી ઉપલબ્ધ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો હાર્દિક IPLમાં બોલિંગ કરશે તો જ તેના નામ પર વિચાર કરી શકાય છે. હાલ IPLમાં હાર્દિક તેની કપ્તાની અને બોલિંગના કારણે ટ્રોલ થઈ રહ્યો છે. આ સિવાય બેટિંગમાં પણ કઈં ખાસ કરી શક્યો નથી.