નર્મદા પરિક્રમાને લઈને તંત્ર સજ્જ:ઉત્તરવાહીની પરિક્રમામાં પોલીસ કેબિન અને વૉચ ટાવર ઊભા કરી ક્રાઉડ મેનેજમેન્ટ કરાશે

By: Nation Gujarat Team
17 Mar, 2026

19 માર્ચના રોજ ચૈત્રી નવરાત્રી સાથે ઉત્તરવાહીની નર્મદા પરીક્રમાની પણ શરૂઆત થઈ રહી છે. નર્મદા પરિક્રમામાં પહેલી વખત રાજ્ય સરકાર દ્વારા પોલીસ બૂથ, સુરક્ષા કેબિન અને વૉચ ટાવર ઉભા કરીને ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવશે.

ઉપરાંત તાલીમબદ્ધ સુરક્ષા કર્મચારીઓ અનેક શિફ્ટોમાં ફરજ બજાવશે. ભીડને નિયંત્રિત કરવા માટે વિવિધ પ્રકારની બેરિકેડિંગ વ્યવસ્થા તથા ઇન્ફ્રારેડ અને રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન (આરએફઆઈડી) આધારિત હેડ કાઉન્ટ સિસ્ટમ દ્વારા યાત્રાળુઓની અવર-જવર પર આધુનિક ટેક્નોલોજી દ્વારા નજર રાખવામાં આવશે.

આ વર્ષે ફાગણ વદ અમાસ 19 માર્ચથી ચૈત્ર વદ અમાસ 17 એપ્રિલ 2026 સુધી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા ચાલશે.જેમાં શ્રદ્ધા, સુરક્ષા અને સુવિધા ત્રણેયનો સુમેળ જોવા મળશે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમા કરનારા હજારો શ્રધ્ધાળુઓની સુવિધા માટે અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે હંગામી તેમજ કાયમી માળખાકીય વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે, ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત ગુજરાત,રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી પણ લાખો લોકો જોડાય છે.

છેલ્લા ત્રણેક વર્ષોમાં લોકોની ભારે ભીડને જોઈને રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમાને લગતી સુવિધાઓ માં વધારો કરી રહી છે.

મહત્વનું છે કે, પરિક્રમા દરમિયાન નર્મદા નદીને બે વખત પાર કરવાની હોય છે. જેમાં બે વર્ષ પહેલા અસુવિધાના કારણે ઘણા પરિક્રમાવાસીઓ પોતાની પરિક્રમા પુરી કરી શક્યાં ન હતાં. જે બાદથી જ સરકાર દ્વારા હંગામી બ્રિજ બનાવી સુવિધા આપી રહી છે.

શ્રદ્ધાળુઓ માટે રૂા.5.41 કરોડના ખર્ચે આ હંગામી વ્યવસ્થાઓ કરાઈ

  • ડોમ શેલ્ટર, મોબાઈલ-ટોયલેટ, વોટર સ્ટેશન, મેડિકલ યુનિટ, 24×7 એમ્બ્યુલન્સ, લાઇટિંગ તથા ઇમર્જન્સી હેલ્પ પોઇન્ટ બનાવાયા છે.
  • વિશાળ વોટરપ્રૂફ ડોમ શેલ્ટરમાં યાત્રાળુઓ માટે ખાટલા, ગાદલા, ઓસીકા, ખુરશીઓ અને બેડશીટ સાથેની બેઠક અને વિશ્રામની વ્યવસ્થા રહેશે.
  • આ સાથે સ્નાનગૃહ, ચેન્જિંગ રૂમ અને ક્લોક રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • પરિક્રમા માર્ગ પર શ્રદ્ધાળુઓની સુગમતા માટે સેવા કેન્દ્રો અને દુકાનો ઉભી કરવામાં આવી રહી છે.
  • ડ્રેનેજ અને કચરાના નિકાલ માટે સુવ્યવસ્થિત સવલતો ઉભી કરવામાં આવી છે.
  • એક મહીનાની પરિક્રમા દરમિયાન હાઉસકીપિંગ ટીમો અનેક શિફ્ટોમાં કાર્યરત રહેશે કે જેથી પરિક્રમા વિસ્તાર સ્વચ્છ અને સુવ્યવસ્થિત રહે.
  • સમગ્ર 18 કિલોમીટરના માર્ગ પર એલઈડી અને ફ્લડ લાઇટ લગાવવામાં આવશે કે જેથી રાત્રિના સમયે પણ યાત્રાળુઓને સલામત અને સ્પષ્ટ માર્ગ મળી રહે.
  • સાઉન્ડ સિસ્ટમ, વાયરલેસ કમ્યુનિકેશન અને સીસીટીવી સર્વેલન્સની વ્યવસ્થા રહેશે. ટેક્નિકલ ઓપરેટરો દ્વારા સમગ્ર વિસ્તારમાં સતત નજર રાખવામાં આવશે.

યાત્રાધામ બોર્ડ દ્વારા ભક્તો માટે રૂા. 5.07 કરોડના ખર્ચે કાયમી સુવિધાઓ તૈયાર કરાઈ યાત્રાધામ બોર્ડ દ્વારા નર્મદા પરિક્રમાર્થીઓ માટે અત્યાર સુધી કુલ રૂ. 5.07 કરોડના ખર્ચે કાયમી સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં મઢી દેવસ્થાન ખાતે લગભગ રૂ. 99.68 લાખના ખર્ચે પેવર બ્લોક પાથવે, સુવિધા કેન્દ્ર, પીવાના પાણીનો ટાંકો, સોલાર લાઇટ અને શૌચાલય બ્લોક તૈયાર કરાયા છે.

સિદ્ધટેકરી રામ કુંડ ખાતે રૂ. 226.93 લાખના કામો હેઠળ રિટેનિંગ વોલ, પરિક્રમાર્થી સુવિધા કેન્દ્ર, શૌચાલય, પીવાનું પાણી, યાત્રી નિવાસનું નવીનીકરણ, શેડ, ઇલેક્ટ્રિફિકેશન, બોરવેલ, સોલાર લાઇટ તથા ડ્રેનેજ સિસ્ટમનું નિર્માણ તેમજ બલબલા કુંડ ખાતે લગભગ રૂ. 149.87 લાખના ખર્ચે પરિક્રમાર્થી સુવિધા કેન્દ્ર, શૌચાલય, પીવાનું પાણી, ઇલેક્ટ્રિફિકેશન અને પાથવે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.


Related Posts

Load more