શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી – કેન્યામાં યોજાયા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ

By: nationgujarat
08 Jul, 2024

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં સત્સંગ પ્રચારાર્થે પધાર્યા છે. જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં નાઈરોબી – કેન્યામાં *”શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ” અંતર્ગત સમૂહ મહાપૂજા, શ્રી સ્વામિનારાયણ ભગવાનને પંચામૃતથી અભિષેક – સ્નાન, રથયાત્રા વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમોનું ભવ્યતા અને દિવ્યતા સભર આયોજન કરવામાં આવ્યું હતું.

અષાઢ સુદ બીજ એટલે અનેક ભક્તોનો ધાર્મિક અને આસ્થા, શ્રદ્ધાનો શુભ દિન. દરિયાખેડુઓ આ દિવસો દરમ્યાન દરિયો ખેડીને પાછા આવતા હોવાથી પણ તેમના પરિવારમાં ખુશી છવાઈ છે. તેથી પણ અષાઢી બીજને નવા વર્ષ તરીકે ઉજવવા પાછળનું કારણ ગણાય છે. તો ખેડૂતો આ દિવસો દરમિયાન ખેતીના મંડાણ કરતા હોવાથી પણ આ દિવસનું વિશેષ મહત્વ છે.

ભગવાન આજના દિવસે ભક્તોને દર્શન આપવા નગરમાં પધારે છે અને દિવ્ય દ્રષ્ટિથી અનેકને પાવન કરે છે. દેશ પરદેશમાં અનેક સ્થળોએ રથયાત્રા નીકળે છે. ભક્તિ, સમર્પણ, સેવા આદિ અનેકવિધ સંસ્કૃતિક મૂલ્યોને ઉજાગર કરતો હૃદય, મન અને શરીરની સાથે બુદ્ધિને પણ ભગવાનની સેવામાં માધ્યમ બનાવાનો મર્મ સમજાવતો આ રથયાત્રાનો ઉત્સવ જગન્નાથપુરીમાં પણ લાખો ભક્તો પરમ ઉમળકાભેર ઉજવે છે.

જગન્નાથપુરીમાં નીકળતી રથયાત્રા સાથે “સ્વામિનારાયણ સંપ્રદાય”નો ઈતિહાસ પણ જોડાયેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક શ્રી સ્વામિનારાયણ ભગવાને ૧૧ વર્ષની કુમળી વયે મહાભિનિષ્ક્રમણ – વનવિચરણ કર્યું. સંવત ૧૮૪૯ના અષાઢ સુદ દશમ, તા. ૨૯/૦૬/૧૭૯૨ ને શુક્રવારના રોજ વનવિચરણનો પ્રારંભ કર્યો હતો. ભારતના અનેક તીર્થોમાં વિચરણ કરતા શ્રી નીલકંઠ વર્ણી – શ્રી સ્વામિનારાયણ ભગવાને શ્રીપુર, બદરીનાથ, માનસરોવર, પુલ્હાશ્રમ, બુટોલપુર – નેપાળ, કપિલાશ્રમ, જગન્નાથપુરી, પુના, બુરાનપુર, સુરત આદિ તીર્થોમાં અને ગાઢ વનોમાં પગપાળા વનવિચરણ કરી, અનેક મોક્ષનો પથ – રાહ બતાવી વનમાં ૭ વર્ષ, ૧ માસ અને ૧૧ દિવસ સુધી સમગ્ર ભારત રાષ્ટ્રના તીર્થોમાં ૧૨૫૦૦ કિલોમીટરનું વિચરણ કરી સંવત ૧૮૫૬ ને શ્રાવણ વદ આઠમ તા. ૨૧/૦૮/૧૭૯૯ ના પુનિત દિને ગરવી ગુજરાતના સૌરાષ્ટ્રની ધરા પર લોજ મુકામે પધાર્યા હતા.

આમ, શ્રી નીલકંઠવર્ણી – શ્રી સ્વામિનારાયણ ભગવાન જગન્નાથપુરીમાં નીકળતી રથયાત્રામાં બિરાજમાન થયા હોવાથી ઘણા શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં રથયાત્રાના અવસરે ભગવાનની સ્મૃતિ માટે તેની ઉજવણી કરવામાં આવે છે.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના પુનિત સાનિધ્યમાં રથયાત્રા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે પૂજનીય સંતોએ સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની આરતી ઉતારી હતી.

શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી – કેન્યામાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતોનાં સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને પંચામૃતથી અભિષેક વિધિ ભકિતભાવપૂર્વક પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ શિક્ષાપત્રીનું મહાત્મ્ય સમજાવતાં જણાવ્યું હતું કે, સંવત ૨૦૮૨ મહા સુદ પાંચમના રોજ ૨૦૦ વર્ષ પૂર્ણ થશે એટલે કે “શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ” અંતર્ગત સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું. શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણ ભગવાને ૧૯૮ વર્ષ પહેલાં શિક્ષાપત્રી લખી હતી. જેમાં ૩૬૫ શાસ્ત્રોનો સાર રહ્યો છે. શિક્ષાપત્રી શ્રીજીમહારાજે પોતાના આશ્રિતોને ઉદ્દેશીને લખી છે. પરંતુ સમાજના સૌ કોઇ માટે અતિ ઉપયોગી અને લાભકારક છે.

આ પ્રસંગે પૂજનીય સંતોમાં સંત શિરોમણી શ્રી સહજાનંદ સ્વામી, શ્રી હરિકેશવદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવો, નાના મોટા આબાલવૃદ્ધ હરિભક્તોની ઉપસ્થિતિમાં સમૂહ મહાપૂજા, શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પંચામૃતથી અભિષેક તથા આરતી ઉતારી હતી. આ અવસરનો લ્હાવો સ્થાનિક હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.


Related Posts

Load more