Surat શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. ખાસ કરીને ઉમરાગામ, પીપલોદ, મગદલ્લા, વેસુ, અલથાણ, અઠવાલાઇન્સ, પાલ, અડાજણ, રાંદેર અને જહાંગીરપુરા જેવા વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે.
રાત્રિના શાંત સમયે પડેલા આ વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જે રીતે સમગ્ર સુરત શહેરમાં વરસાદ વરસી રહ્યો છે, તે જોતા ચોમાસું હવે પૂરેપૂરું જામ્યું હોય તેમ લાગી રહ્યું છે.
હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી મુજબ આગામી સમયમાં વાતાવરણ વાદળછાયું રહેશે અને સમયાંતરે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી સાચી ઠરતા સુરત શહેરમાં વરસાદનો દોર શરૂ થઈ ગયો છે.
લાંબા સમયથી સુરતીઓ વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ખાસ કરીને રાત્રિના સમયે પડેલા આ વરસાદને કારણે ગરમી અને બફારામાંથી મુક્તિ મળતા નાગરિકોએ હાશકારો અનુભવ્યો છે. સોશિયલ મીડિયા પર પણ સુરતીઓ વરસાદની મજા માણતા ફોટા અને વીડિયો શેર કરી રહ્યા છે.
ખેતી અને વાવેતર માટે પણ આ વરસાદ અત્યંત લાભદાયી માનવામાં આવી રહ્યો છે. જોકે, ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર પણ એલર્ટ મોડ પર છે. સુરતવાસીઓ માટે મેઘરાજાની આ એન્ટ્રી લાંબા સમય બાદ એક ખુશીના સમાચાર લઈને આવી છે. આગામી દિવસોમાં વરસાદનો આ જ વેગ યથાવત રહે તેવી આશા રાખવામાં આવી રહી છે.