મહાનગર પાલિકા દ્વારા શહેરમાં હરિયાળી વધારવા, પર્યાવરણનું સંરક્ષણ કરવા અને શહેરીજનોને વધુ સ્વચ્છ હવા ઉપલબ્ધ કરાવવાના હેતુથી તમામ ઝોનમાં ઓક્સિજન પાર્ક વિકસિત કરવાની યોજના હાથ ધરવામાં આવી છે.
તેના ભાગરૂપે ઉધના ઝોનમાં ભેસ્તાન આવાસની પાછળ આવેલા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઓક્સિજન પાર્કમાં આજે વૃક્ષારોપણ કરી તેની જાળવણી માટે વ્યવસ્થા કરવા અંગેનો કાર્યારંભ સમારોહ રાખવામાં આવ્યો હતો.
શહેરમાં વધતા જતા પ્રદુષણને અટકાવવા માટે છેલ્લા કેટલાય વર્ષોથી મહાનગરપાલિકા તંત્ર દ્વારા કવાયત હાથ ધરી છે. તેના ભાગરુપે ચોમાસા પહેલા દર વર્ષે મોટાપાયે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
ચોમાસા પહેલા છોડવાને રોપવામાં આવે તો તેને વધુ માવજત લેવાની જરુરીયાત રહેતી નથી. જ્યારે ચોમાસુ પૂર્ણ થયા બાદ મહાગરપાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા આવા વૃક્ષોનું જતન કરવામાં આવતું હોય છે. આગામી દિવસોમાં સુરત શહેરના તમામ ઝોનમાં ઓકસિજન પાર્ક બને તેવું આયોજન પાલિકાનું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ધરતીમાતાને હરિયાળી કરવાના સંકલ્પરૂપે આપેલા અભિયાન “એક પેડ માં કે નામ” અન્વયે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવસારીના આદિજાતિ વિસ્તાર આછવણીમાં વૃક્ષારોપણ કર્યુ હતું.
સમગ્ર રાજ્યમાં એક પેડ માં કે નામ-3.0માં 8 કરોડ વૃક્ષોના વાવેતરનો લક્ષ્યાંક છે જેમાં હરિયાળુ ગામ અને ઈ-પર્યાવરણ અન્વયે આછવણીમાં વિવિધ 28 પ્રજાતિના 1600 વૃક્ષોનું વાવેતર અને ઉછેર થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવસારી જિલ્લાના આદિજાતિ વિસ્તાર આછવણીમાં ગુરૂવારે એક પેડ માં કે નામ-3.0 અંતર્ગત ગ્રામજનો સાથે વૃક્ષારોપણમાં સહભાગી થયા હતા.