સુરત રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતાં મુસાફર પાટામાં ઘૂસી ગયો,

By: Nation Gujarat Team
04 Apr, 2026

સુરત રેલવે સ્ટેશન પર આજે એક ચમત્કારિક ઘટના બની હતી, જેમાં મોતના મુખમાં ગયેલા એક મુસાફરને નવજીવન મળ્યું છે. ચાલુ ટ્રેને ચડવા જતા મુસાફર ટ્રેન નીચે પટકાતા અડધી મિનિટ સુધી ટ્રેન તેની ઉપરથી ચાલતી રહી હતી. આ હૃદયદ્રાવક દૃશ્યો સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમરામાં કેદ થયા છે.

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, જ્યારે ટ્રેન નંબર 09628 અજમેર સ્પેશિયલ ફેર એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 1 પરથી રવાના થઈ રહી હતી, ત્યારે એક મુસાફરે દોડીને ટ્રેન પકડવાનો પ્રયાસ કર્યો હતો. સંતુલન ગુમાવવાને કારણે મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં ખાબક્યો હતો. લગભગ અડધી મિનિટ સુધી ટ્રેન ચાલતી રહી હતી, જેના કારણે ત્યાં હાજર મુસાફરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પ્લેટફોર્મ પર ફરજ બજાવતી સુરત રેલવે પોલીસની સર્વેલન્સ ટીમે આ ઘટના જોતા જ તાત્કાલિક સ્ફૂર્તિ બતાવી હતી. રેલવે જવાનોએ ત્વરિત ટ્રેન ઉભી રખાવી દીધી હતી અને ટ્રેન નીચે ફસાયેલા યુવકને અત્યંત સાવચેતીપૂર્વક બહાર કાઢ્યો હતો. યુવકનો આ ચમત્કારિક બચાવ જોઈને પ્લેટફોર્મ પર હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.

ટ્રેન નીચેથી બહાર કાઢવામાં આવ્યા બાદ યુવક અતિશય ગભરાઈ ગયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર જે. બી. મીઠાપરા અને તેમની ટીમે યુવકને સાંત્વના આપી તેને શાંત કર્યો હતો. પ્રાથમિક તપાસ બાદ મુસાફર સુરક્ષિત હોવાનું જણાતા તેને તે જ ટ્રેનમાં બેસાડી આગળ રવાના કરવામાં આવ્યો હતો. રેલવે પોલીસની આ બહાદુરીના કારણે આજે એક પરિવારનો માળો વિખેરાતા બચી ગયો છે.


Related Posts

Load more