સુરતમાં ટ્રાફિકની સ્પેશિયલ ડ્રાઇવ: 25 દિવસમાં 66 હજારથી વધુ કેસની સાથે 6 કરોડનો દંડ વસૂલાયો

By: nationgujarat
24 Dec, 2025
સુરત: શહેરમાં માર્ગ અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક શિસ્ત મજબૂત બનાવવા માટે સુરત પોલીસના ટ્રાફિક વિભાગે કડક સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી છે. આ ઝુંબેશ હેઠળ પોલીસ દ્વારા સતત તપાસ, સ્થળ દંડ અને ઈ-ચલણની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના પરિણામે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. માત્ર એક જ દિવસમાં સુરત પોલીસે ટ્રાફિક નિયમો ભંગના કુલ 2,622 કેસ નોંધ્યા હતા. જ્યારે સમગ્ર 25 દિવસની અવધિમાં 66,681 કેસ કરવામાં આવ્યા છે.
25 દિવસમાં છ કરોડનો દંડ વસૂલાયો

આટલી મોટી સંખ્યામાં થયેલી કાર્યવાહીથી શહેરભરમાં ટ્રાફિક શિસ્ત અંગે ચર્ચા તેજ બની છે. ઓવરસ્પીડિંગમાં સૌથી વધુ કેસ આ ઝુંબેશ દરમિયાન સૌથી વધુ કેસ ઓવરસ્પીડિંગના નોંધાયા છે. પોલીસના આંકડા મુજબ, 25,018 વાહનચાલકો ઝડપ મર્યાદા તોડતા પકડાયા. વધતી ઝડપને કારણે થતા ગંભીર અકસ્માતોને અટકાવવા માટે પોલીસ ખાસ નજર રાખી રહી છે. રોંગ સાઈડ અને સિગ્નલ ભંગ પર કડક કાર્યવાહી ટ્રાફિક માટે સૌથી જોખમી ગણાતા રોંગ સાઈડ ડ્રાઈવિંગના 4,303 કેસ કરવામાં આવ્યા છે, જેમાં રૂ. 1,500નો દંડ વસૂલવામાં આવ્યો. તે ઉપરાંત ટ્રાફિક સિગ્નલ ભંગના 13,708 કેસ નોંધાયા છે, જેમાં દરેક કેસ માટે રૂ. 500નો દંડ ફટકારવામાં આવ્યો. હેલ્મેટ વગર સવારી પર કાર્યવાહી રસ્તા પર સુરક્ષા માટે હેલ્મેટ ફરજિયાત હોવા છતાં હજુ પણ અનેક લોકો નિયમો અવગણી રહ્યા છે. આ ઝુંબેશ દરમિયાન 3,382 હેલ્મેટ વગરના કેસ કરવામાં આવ્યા છે, જેમાં રૂ. 500નો દંડ વસૂલાયો. અન્ય હેડવાઇઝ કામગીરી આ સિવાય ટ્રાફિક નિયમોના અન્ય ભંગ બદલ 20,270 કેસ કરવામાં આવ્યા છે.
જેમાં ખોટી પાર્કિંગ, દસ્તાવેજોની અછત, અનધિકૃત ફેરફાર સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ તમામ માટે પણ રૂ. 500નો દંડ વસૂલવામાં આવ્યો છે. 25 દિવસમાં 6.26 કરોડ રૂપિયાનું દંડ વસૂલાયાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઝુંબેશ દરમિયાન સુરત પોલીસે કુલ રૂ. 6,26,61,500 (6.26 કરોડ રૂપિયા) નો દંડ વસૂલ્યો છે. આ આંકડો પોતે જ દર્શાવે છે કે, શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કેટલું નબળું છે.
સુરતીઓમાં ચર્ચા અને અસંતોષ

પોલીસનો દાવો છે કે, આ કાર્યવાહીનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતો ઘટાડવાનો છે, પરંતુ બીજી તરફ અનેક સુરતીઓમાં એવો ભાવ છે કે, “અકસ્માત ઘટાડવાના નામે દંડનો વરસાદ થઈ રહ્યો છે.” સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યા છે.
આગળ પણ ઝુંબેશ ચાલુ રહેશે

ટ્રાફિક વિભાગે સ્પષ્ટ કરી દીધું છે કે, આવી સ્પેશિયલ ડ્રાઈવ આગામી સમયમાં પણ ચાલુ રહેશે. રોંગ સાઈડ ડ્રાઈવિંગ, સિગ્નલ ભંગ, ઓવરસ્પીડિંગ અને અન્ય નિયમો તોડનારા વાહનચાલકો સામે સ્થળ દંડ, ઈ-ચલણ અને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની અપીલ છે કે, વાહનચાલકો સ્વયં જ ટ્રાફિક નિયમોનું પાલન કરે, જેથી દંડથી બચી શકાય અને સૌથી મહત્વનું રસ્તા પર પોતાનો અને અન્યનો જીવ સુરક્ષિત રહી શકે.

Related Posts

Load more