સુરતના મોલમાં ચલાવાતી હતી MD ડ્રગ્સ લેબ! ક્રિસ્ટલ બેઝ મેફેડ્રોન બનાવતા ત્રણ શખ્સની ધરપકડ કરાઈ

By: Nation Gujarat Team
07 Jan, 2026
સુરત: શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના કોમર્શિયલ મોલ જેવી ભીડભાડવાળી અને જાહેર જગ્યાની અંદર ગુપ્ત રીતે MD (મેફેડ્રોન) ડ્રગ્સ બનાવતી સંપૂર્ણ લેબ ઝડપાઈ આવતા સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલ ઊભા થયા છે. પોલીસે આ મામલામાં ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, SOGને ચોક્કસ બાતમી મળી હતી કે, પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ મોલની અંદર શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીના આધારે SOGની ટીમે ગુપ્ત રીતે રેકી કરી અને ત્યારબાદ મોલમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન અંદરથી ક્રિસ્ટલ બેઝ મેફેડ્રોન (MD ડ્રગ્સ) બનાવતી સંપૂર્ણ સેટઅપ સાથે ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છેSOGની ટીમે લેબમાંથી ડ્રગ્સ બનાવવામાં વપરાતી મશીનરી, વિવિધ કેમિકલ્સ, કાચો માલ તેમજ તૈયાર હાલતમાં રહેલી MD ડ્રગ્સ જપ્ત કરી છે. પોલીસના અંદાજ મુજબ જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે 20 લાખ રૂપિયા જેટલી થાય છે. મોલ જેવી જગ્યા જ્યાં રોજ મોટી સંખ્યામાં નાગરિકો અવરજવર કરે છે, ત્યાં આ પ્રકારની ડ્રગ્સ લેબ ચાલતી હોવાની ઘટના શહેર માટે અત્યંત ગંભીર માનવામાં આવી રહી છે
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે, આરોપીઓ મોલની અંદર એક બંધ યુનિટ ભાડે લઈ, બહારથી સામાન્ય કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલે છે તેવો દેખાવ ઊભો કરીને અંદરથી ગેરકાયદેસર રીતે ડ્રગ્સનું ઉત્પાદન કરતા હતા. મોલ મેનેજમેન્ટને આ બાબતની જાણ હતી કે નહીં, તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ હવે એ બાબત પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કે, તૈયાર MD ડ્રગ્સ ક્યાં સપ્લાય થવાની હતી, કોને વેચાણ થતું હતું અને આ પાછળ કયું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે.
આ રેકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, બહારના શહેરો કે રાજ્ય સુધી તેનો સંબંધ છે કે કેમ, તે તમામ મુદ્દાઓ પર તપાસ તેજ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને પગલે સુરત પોલીસ તેમજ સ્થાનિક તંત્ર વધુ સતર્ક બન્યું છે. શહેરમાં આવેલા કોમર્શિયલ મોલ, ગોડાઉન અને ભાડાની યુનિટ્સમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન ચાલે તે માટે આગામી સમયમાં વધુ કડક ચેકિંગ અને સર્વેલન્સ વધારવામાં આવશે તેવી શક્યતા છે.

Related Posts

Load more