સ્માર્ટ સિટી સુરતના રસ્તાઓની સ્માર્ટ પોલ ખુલી : પાંડેસરામાં રસ્તામાં પડેલા ભુવામાં ખાબકી સિટી બસ, 7 મુસાફરો ઘાયલ

By: Nation Gujarat Team
22 Jun, 2026

Surat Corporation : સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતમાં લાખો રૂપિયાનાં ખર્ચે બનતા રસ્તાઓની ગુણવત્તા ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી છે. પાંડેસરાના ગણેશનગર વિસ્તારમાં રસ્તાની વચ્ચોવચ્ચ પડેલા મસમોટા ભુવામાં સિટી બસ ખાબકતાં સાત મુસાફરો ઘાયલ થયા હતા. વરસાદી પાણીના કારણે ભુવો નજરે ન પડતાં આ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે જાનહાનિ ટળી હોવા છતાં ઘટનાએ રસ્તા નિર્માણની ગુણવત્તા, દેખરેખ અને જવાબદારી સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

પાલિકાના ઉધના ઝોનમાં આવેલા ગણેશનગર વિસ્તારમાંથી પસાર થતી મુસાફરોથી ભરેલી સિટી બસ રસ્તાની વચ્ચોવચ્ચ પડેલા મસમોટા ભુવામાં ખાબકી હતી. અકસ્માત એટલો અચાનક હતો કે બસનો આગળનો ભાગ ભારે નુકસાનગ્રસ્ત બન્યો હતો અને વિન્ડશિલ્ડનો હિસ્સો પણ તૂટી ગયો હતો. ઘટનામાં બસમાં સવાર સાત મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સ્થાનિકોના જણાવ્યા મુજબ સવારે પડેલા વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું. પરિણામે રસ્તામાં પડેલો ભુવો બસના ચાલકને નજરે પડ્યો નહોતો અને બસ સીધી તેમાં ખાબકી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ જો બસની ગતિ વધુ હોત તો ઘટના વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકતી હતી.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ડિંડોલી વિસ્તારમાં પણ રસ્તો બેસી જતાં એક ડમ્પર ફસાઈ જવાનો બનાવ બન્યો હતો. ડ્રેનેજ અને અન્ય કામગીરી બાદ રસ્તા પુનઃનિર્માણમાં ગુણવત્તાનો અભાવ હોવાના આક્ષેપો તે સમયે પણ ઉઠ્યા હતા. હવે પાંડેસરાની ઘટનાએ આવા ફરી પાલિકાની કામગીરી સામે સવાલ ઊભા કર્યા છે.


Related Posts

Load more