પાટીદાર સિંગર આરતી સાંગાણીએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતાં વિરોધ:રડતાં રડતાં પિતાએ કહ્યું..

By: Nation Gujarat Team
27 Dec, 2025

પોપ્યુલર સિંગર કિંજલ દવેએ આંતરજ્ઞાતિય યુવક સાથે સગાઈ કરતા તેના સમાજે બહિષ્કાર કર્યો હતો. આ જ રીતે હવે વધુ એક સિંગરના લવ મેરેજને લઈ વિવાદ થયો છે. સુરત શહેરની જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમલગ્નનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે પ્રેમ લગ્ન કર્યા છે. આ પ્રેમ લગ્નને લઈ સમાજ અને સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થયો છે.

આ સામાજિક વિવાદ વચ્ચે યુવા પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરીયાનું મહત્વનું અને સૂચક નિવેદન સામે આવ્યું છે. તેમણે આ ઘટનામાં યુવતી દ્વારા મળેલી સ્વતંત્રતાના દુરુપયોગ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમજ દીકરીના પિતાએ રડતા રડતા દિવ્ય ભાસ્કર સામે વ્યથા ઠાલવી હતી.

આરતીના પિતા લેસ પટ્ટીનું કામ એટલે કે સાડીના જોબ વર્કનું કામ કરે છે. તેમને કુલ 5 દીકરીઓ અને એક દીકરો છે. જેમાં આરતી અને તેની બહેન ટ્વીન્સ છે. જેમાં આરતી નાની છે. જ્યારે ભાઈ સૌથી નાનો છે.

આ અંગે આરતીના પિતાએ જણાવ્યું હતું કે, હું વિનંતી કરું છું કે, તું પરત આવી જા અને સમાજ આપણો આપણી સાથે છે. આપણો પરિવાર આપણી સાથે છે. જે ભૂલ થઈ હોય ઈ..ઈ ભૂલને સુધારી નાખ. હજી સમય છે અને તું પરત આવી જા.

પિતા સાથે છેલ્લે આ વાતચીત થઈ હતી ‘છેલ્લી મારે 16 ડિસેમ્બરે બપોરે એક થી દોઢ વાગ્યે વિડીયો કોલમાં વાત થઈ. ભાવનગર પ્રોગ્રામ હતો અને ભાવનગરથી પ્રોગ્રામ પૂરો કરીને વિડીયોમાં વાત થઈ અને પછી એણે કીધું કે હું સાંજે બસમાં બેસી જઈશ પપ્પા, સવારમાં હું પહોંચી જઈશ. મેં એને કીધું કે તું કામરેજ પહોંચે એટલે મને ફોન કરજે હું તને લઈ જઈશ. આ છેલ્લી વાત મારે થઈ હતી. પછી ફોન સ્વીચ ઓફ થઈ ગયો એટલે પછી મેં એક દિવસ પછી ગુમ થયાની ફરિયાદ બપોરે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.’

‘એણે મને વિશ્વાસ આપ્યો તો કે હું દીકરી નહીં તમારો દીકરો છું’ દીકરી સાથે 21 ડિસેમ્બરે વાત થઈ હતી. તેણે મને કહ્યું કે, મને અહીં રહેવા દ્યો. મેં એને કીધું કોઈ પ્રેશર કંઈ પણ હોય તો કે.. પણ તું પાછી આવી જા. હજી કંઈ નથી થઈ ગયું, ભૂલ થઈ જાય છોકરાથી ભૂલ થઈ જાય. પણ તું પરત આવી જા હજી તારો બાપ છે ત્યાં સુધી પરત આવી જા. મેં તેના પર પૂરેપૂરો વિશ્વાસ મુકેલો હતો.. અને એણે મને વિશ્વાસ આપ્યો તો કે હું દીકરી નહીં તમારો દીકરો છું.

મેં તેના પર વિશ્વાસ મૂક્યો હતો પણ તેને વિશ્વાસઘાત કર્યો છે’ ‘પ્રેમ લગ્નમાં માતા-પિતાની સંમતિ બહુ જરૂરી છે, કેમ કે નાની બુદ્ધિમાં, નાની દીકરી હોય એને બુદ્ધિ ન ચાલે, તેને પસ્તાવાનું થાય…એના માટે બહુ સારું છે. મારી તો એક જ માંગ છે કે ગમે તે કરીને અને ભૂલ સુધારીને તું ઘરે પરત આવી જા, એ જ મારી માંગ છે. મેં તેના પર વિશ્વાસ મૂક્યો હતો પણ તેને વિશ્વાસઘાત કર્યો છે.’

‘આરતીના માતા-પિતા 10 દિવસથી દીકરી માટે અત્યંત ચિંતામાં’ અલ્પેશ કથીરીયાએ જણાવ્યું હતું કે, આરતીના માતા-પિતા છેલ્લા 10 દિવસથી પોતાની દીકરી માટે અત્યંત ચિંતામાં છે. ગત 17મી ડિસેમ્બરના રોજ આરતીના પિતાએ કાપોદ્રા પોલીસ મથકમાં દીકરી ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે, દુઃખદ બાબત એ છે કે દીકરી પ્રત્યક્ષ રીતે માતા-પિતા સાથે વાત કરવાને બદલે સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો પોસ્ટ કરીને જવાબો આપી રહી છે, જે પરિવાર માટે આઘાતજનક છે.

સફળતા પાછળ સમાજ અને પરિવારનો સિંહફાળો કથીરીયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, આરતી આજે જે સ્ટેજ અને જે લેવલ પર પહોંચી છે, તેની પાછળ માત્ર તેની મહેનત નહીં પરંતુ તેના માતા-પિતા અને સમાજનો સિંહફાળો છે. જ્યારે વ્યક્તિ સમાજમાં કોઈ ચોક્કસ હોદ્દા કે સ્થાન પર હોય છે, ત્યારે તેના દ્વારા લેવાતા નિર્ણયોની સમાજ પર શું અસર થશે, તે વિચારીને પગલું ભરવું જોઈએ. અલ્પેશ કથીરીયાના મતે, હાલ જે ઘટના સામે આવી છે તેમાં પાટીદાર દીકરીએ તેને મળેલી સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ કર્યો છે.

‘સામાજિક વ્યવસ્થા જાળવવા પ્રેમલગ્નમાં વાલીની સંમતિ જરૂરી’ અંતમાં અલ્પેશ કથીરીયાએ પ્રેમલગ્નમાં માતા-પિતાની સહીના કાયદાની હિમાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આવા કિસ્સાઓને કારણે જ પાટીદાર સમાજ સહિત 18 વર્ણના સમાજો સરકાર પાસે પ્રેમલગ્નમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત બનાવતા કાયદાની માંગ કરી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સામાજિક વ્યવસ્થા જાળવવા માટે આ કાયદો કેટલો જરૂરી છે.

‘પટેલ સમાજમાં બહુ રોષ છે, બહુ વિરોધ છે’ આ અંગે હિરેન ભેસાણીયા નામના પાટીદાર સમાજના સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે, આરતી સાંગાણીનો જે વિવાદ ચાલી રહ્યો છે, જે અન્ય સમાજમાં લગ્ન કરીને ભાગી ગઈ છે, જેથી પટેલ સમાજમાં બહુ રોષ છે, બહુ વિરોધ છે. સોશિયલ મીડિયા દ્વારા એટલું જાણવા મળ્યું છે કે આરતી સાંગાણીને પટેલ સમાજમાંથી બહિષ્કાર કરો, એને પટેલ સમાજના કાર્યક્રમમાં બોલાવો નહીં. પટેલ સમાજના જ્યાં પણ કાર્યક્રમ હોય, ત્યાં જઈને પ્રોગ્રામમાં વિરોધ કરો, પ્રોગ્રામ બંધ કરાવો. આટલો પટેલ સમાજમાં સોશિયલ મીડિયા દ્વારા રોષ જોવા મળી રહ્યો છે.

કોણ છે આરતીનો પતિ? દેવાંગ ગોહેલ મૂળ ગોંડલનો રહેવાસી છે અને તબલા વાદક છે. બન્ને વચ્ચે દોઢ વર્ષ પહેલાં પ્રેમ પાંગર્યો હતો. ત્યાર બાદ 16 ડિસેમ્બરના રોજ દેવાંગ અને આરતી સાંગાણીએ લવ મેરેજ કરી લીધા હતા. આરતીના અનેક કાર્યક્રમોમાં દેવાંગ તબલા વગાડતો જોવા મળતો હતો.

‘શું પ્રેમ કરવો કોઈ ગુનો છે?’ સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટ્રોલિંગ અને ટીકાઓને લઈને આરતી સાંગાણીએ એક વીડિયો મારફતે પોતાની વાત રજૂ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે સોશિયલ મીડિયામાં તેમના વિશે ચાલી રહેલા વીડિયો અને કોમેન્ટ્સ સામે તેમને કોઈ વિરોધ નથી. પોતાની લાગણી વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. શું પ્રેમ કરવો કોઈ ગુનો છે?


Related Posts

Load more