Surat News: શહેરમાં 24 કલાકમાં 2.99 ઈંચ વરસાદ નોંધાયો,

By: Nation Gujarat Team
24 Jul, 2026

સુરત જિલ્લામાં સતત વરસી રહેલા આફતરૂપી વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.શહેરમાં છેલ્લા 24 કલાકમાં 2.99 ઇંચ જ્યારે ઓલપાડ અને ઉમરપાડા તાલુકામાં 11.93 ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબક્યો છે.આ ભારે વરસાદના પગલે સીમાડા ખાડી ભયજનક સપાટી વટાવી ગઈ છે જ્યારે કેવડી અને લાખી ડેમ હાઈ એલર્ટ સ્ટેજ પર મૂકવામાં આવ્યા છે.સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી 207 લોકો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી 2713 લોકો મળી કુલ 2920 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

જિલ્લા પંચાયતના 174 જેટલા રોડ-રસ્તાઓ બંધ
અતિવૃષ્ટિ અને પૂરના પાણી ભરાવાને લીધે સુરત જિલ્લા પંચાયતના 174 જેટલા રોડ-રસ્તાઓ વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યા છે,જોકે નાગરિકોની સુવિધા માટે મોટાભાગના વૈકલ્પિક માર્ગો પર અવરજવર ચાલુ રાખવામાં આવી છે.વણસતી પરિસ્થિતિ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને પૂરેપૂરી સાવચેતી રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે.સુરતમાં ખાડીપૂરે ભયાનક તારાજી મચાવતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પર્વત પાટિયા અને ગોડાદરા વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતાં 10 થી વધુ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. સોસાયટીઓના ઘરોની અંદર સુધી પાણી ઘૂસી જવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.

જ્યારે મુખ્ય રસ્તાઓ પર પણ કમર સુધીના પાણી ભરાઈ ગયા છે.આકાશી નજારામાં પણ જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે.સુરતનું બામરોલી ગામ ફરી એકવાર ખાડીપૂરના પાણીમાં ગરકાવ થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ છે.ગામમાં ચારેય તરફ પાણી ભરાઈ જવાથી બહાર અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બની છે, જેના કારણે સ્થાનિક લોકો પોતાના ઘરોમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં જ ખાડીપૂરના લીધે બીજી વખત આવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સ્થાનિકોનો આરોપ છે કે મહાનગરપાલિકા દ્વારા માત્ર બ્રિજ બંધ કરીને સંતોષ માની લેવામાં આવે છે.


Related Posts

Load more