કુમાર કાનાણી ફરી આકરા પાણીએ! ભેળસેળ રોકવા સરકારને લખ્યો લાંબોલચક પત્ર

By: nationgujarat
22 Dec, 2023

અખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરતા તત્વો સામે કડક કાર્યવાહી અને કાયદો બનાવવાની માંગ સાથે વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાણાની દ્વારા ફરી એક વખત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજુવાત કરી છે. કુમાર કાણાનીએ તંત્રના આરોગ્ય અને ફૂડ વિભાગ સહિત પાલિકાના આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારીના આક્ષેપ સાથે આગામી વિધાનસભા સત્રમાં આવા ભેળસેળીયાઓ સામે કડક કાયદો બનાવવાની માંગ કરી છે. એટલું જ નહીં પરંતુ આવી ઘટનાઓમાં લોકોમાં કાયદાનો ડર રહે તે માટે માનવવધનો ગુનો નોંધવામાં આવે તેવી પણ રજુવાત કરી છે.

કાયદો પાંગળો થયો છે 
સુરત વરાછા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કુમાર કાણાનીનો ફરી એક લેટર બૉમ્બ સામે આવ્યો છે. અવારનવાર પ્રજાના પ્રાણ પ્રશ્નો અને સમસ્યાઓ અંગે સરકાર તેમજ તંત્રને પત્ર લખી જગાડવાનો પ્રયાસ કરતા કુમાર કાણાની એ પાલિકા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. કુમાર કાણાનીએ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ખાદ્ય પદાર્થો અને ખોરાકમાં ભેળસેળ મુદ્દે કડક કાયદાની જોગવાઈ બાબતે હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ભેળસેળ કરનારા લોકોને કાયદાનો કોઈપણ પ્રકારનો ડર રહ્યો નથી. કારણ કે કાયદો પાંગળો થઈ ગયો છે, જેના કારણે ભેળસેળ કરનારા લોકો બેફામ બન્યા છે.

સરકાર ભેળસેળ માટે કાયદો બનાવે 
તેમણે પત્રમાં વધુ કહ્યું કે, ભેળસેળ કરવાની સાથે સાથે હવે તો ખાદ્ય-સામગ્રી પણ નકલી બનાવવી લોકોના આરોગ્ય અને જીવ સાથે રમત રમવામાં આવી રહી છે.. વુડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પાલિકાના આરોગ્ય વિભાગની નિષ્ક્રિય કામગીરી અને બેદરકારીના કારણે લોકોના જીવ સામે જોખમ ઊભું થયું છે. જે ખૂબ જ ગંભીર બાબત બનીને સામે આવી છે. એટલું જ નહીં પરંતુ નકલી ખાદ્ય સામગ્રી બનાવનારા હવે ફાટીને ધુમાડે ગયા છે. લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ખેત ઉત્પાદનમાં વપરાતી દવાઓનો ઉપયોગ ન કરવા માટે અને પ્રાકૃતિક ખેતી માટેના પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. જેના કારણે માનવ જિંદગી રોગમુક્ત રહે અને સ્વસ્થ જીવન જીવી શકે. પરંતુ ખાદ્ય સામગ્રીઓમાં ભેળસેળ કરી અને નકલી બનાવટો બનાવી લોકોના જીવ સાથે રમત રમવામાં આવી રહી છે. આવા લોકો સામે માનવ વધનો ગુનો નોંધવા વિધાનસભા સત્રની અંદર કડક કાયદો બનાવવામાં આવે તેવી રજૂઆત છે

વધુમાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે કામ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગનું છે, તે કામ પોલીસે કરવું પડે છે. જે ખૂબ જ શરમજનક બાબત છે. ખાદ્ય સામગ્રીઓમાં ભેળસેળ અને નકલી બનાવટો પર નિયંત્રણ અને કાર્યવાહી કરવી તે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગના કાર્યક્ષેત્રમાં આવે છે. પરંતુ આરોગ્ય અને ફૂડ વિભાગ ની ગંભીર બેદરકારી છતી થવા પામી છે.જ્યાં શહેરમાં ભેળસેળ યુક્ત ખાદ્ય સામગ્રી અને ખોરાકનું વેચાણ થઈ રહ્યું છે. ભેળસેળીયાઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે તે માનવવધનો ગુનો છે. આવા લોકોમાં કાયદાનો ડર રહે તે માટે કડક કાર્યવાહી કરવા વિધાનસભા સત્રમાં કડક કાયદાની તાતી જરૂર છે.


Related Posts

Load more