સુરત મહાનગરપાલિકા (SMC) ની પરિવહન સેવામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો સણસણતો આક્ષેપ સામે આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ના નગરસેવક મહેશ અણઘણે મનપાના શાસકો અને પરિવહન વિભાગ સામે રૂ.1500 કરોડના ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે, પ્રજાના ટેક્સના નાણાંનો સીધો દુરૂપયોગ કરીને પરિવહન સેવામાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી રહી છે, જેણે સુરત મનપાના વહીવટ સામે અનેક સવાલો ઊભા કર્યા છે.
આ કૌભાંડની વિગતો આપતા AAP કોર્પોરેટરે જણાવ્યું હતું કે, હંસા ટ્રાવેલ્સની અંદાજે 110 જેટલી બસો છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં પડી રહી છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે રસ્તા પર દોડ્યા વગર જ ધૂળ ખાતી આ બંધ બસો માટે પણ મનપા દ્વારા કોન્ટ્રાક્ટરને કરોડો રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે. કોઈ પણ જાતની યોગ્ય ચકાસણી કે નિયમોનું પાલન કર્યા વિના જ સરકારી તિજોરીમાંથી નાણાં કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં વહાવી દેવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.
એક તરફ બંધ બસોના નામે કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયા ચૂકવાઈ રહ્યા છે, તો બીજી તરફ રસ્તા પર પૂરતી બસો ન હોવાને કારણે સુરતના સામાન્ય નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રોજેરોજ નોકરી-ધંધા માટે મુસાફરી કરતા લોકોને બસોમાં ઘેટાં-બકરાંની જેમ ખીચોખીચ ભરાઈને પ્રવાસ કરવાની મજબૂરી ઊભી થઈ છે. પૂરતી સુવિધાના અભાવે પ્રજા પિલાઈ રહી છે ત્યારે આ સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઊઠી છે.