સુરતમાં કાપડ માર્કેટમાં જોબવર્ક કરતા એક પત્ની પીડિત પતિએ અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને સુરત કલેક્ટર સમક્ષ ઈચ્છામૃત્યુની લેખિત રજૂઆત કરી છે. પીડિત પતિએ આક્ષેપ કર્યો છે કે, કાયદાનો દુરૂપયોગ કરીને તેની પત્ની અને સાસરીયાઓ તેને આર્થિક અને સામાજિક રીતે બરબાદ કરી રહ્યા છે.
કલેક્ટર કચેરીમાં ન્યાય ન મળતા આખરે આ મામલો રાજ્યના ગૃહ મંત્રાલય સુધી પહોંચ્યો છે. પીડિત પતિએ ગૃહ મંત્રી હર્ષ સંઘવીના પીએને પણ ફોન કરીને આપવીતી જણાવી હતી. જ્યાંથી તેમના પીએ દ્વારા આ કેસમાં તટસ્થ અને યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી છે.
દીકરાને માતાની મમતા આપવાને બદલે જીવ લેવાનો પ્રયાસ પીડિત પતિના જણાવ્યા અનુસાર, તેમના અગાઉ 3 લગ્ન નિષ્ફળ રહ્યા હતા અને તેમની પત્નીના પણ અગાઉ બે લગ્ન થઈ ચૂક્યા હતા. પીડિતના આ ચોથા મેરેજ હતા. અગાઉના લગ્નથી એક 12 વર્ષનો દીકરો છે. આ માસૂમ દીકરાને માતાની મમતા અને સારો ઉછેર આપવાના આશયથી તેમણે વર્ષ 2024માં લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના ગણતરીના 3 મહિના જ આ સંસાર ચાલ્યો હતો. પીડિત પતિએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, તેમની પત્નીએ રાત્રિના સમયે તેમના દીકરાનું ગળું અને મોઢું દબાવીને તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
ઘરની મેટર ઘરમાં રાખવાની સલાહ આપી ગુનો ન નોંધ્યો પીડિત પતિએ પોલીસ પ્રશાસન સામે ભારે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જ્યારે દીકરાને મારી નાખવાનો પ્રયાસ થયો, ત્યારે રાત્રે 12 વાગ્યે આ બનાવ બન્યો હતો અને વહેલી સવારે 4 વાગ્યે તેઓ પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરાવવા ગયા હતા, પરંતુ પોલીસે ઘરની મેટર ઘરમાં રાખો, સંસાર બગડી જશે તેમ કહીને તેમને ફોસલાવીને પાછા મોકલી દીધા હતા.
આ ઘટના જૂન મહિનામાં એટલે કે છઠ્ઠા મહિનામાં બની હતી. બાળ સુરક્ષા વિભાગ અને પોલીસ અધિકારીઓ સમક્ષ દીકરાના કાઉન્સિલિંગની માંગ કરવા છતાં આજ દિન સુધી હત્યાના પ્રયાસ (કલમ 307) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. 21 તારીખે રજૂઆત કરવા છતાં 29 તારીખ સુધી એટલે કે 8 દિવસ થવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.
રાત્રે 2 વાગ્યે શંકા કરી થપ્પડ મારતી ને ઊંઘવા પણ ન દેતી પીડિત પતિએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, તેમની પત્ની નાની-નાની બાબતોમાં શંકા કરતી હતી. કાપડની જોબ દરમિયાન બહેન, ભાઈ કે મિત્રોના ફોન આવતા અને ફોન વ્યસ્ત આવે તો તે વહેમ રાખીને ઝઘડો કરતી હતી. ત્રાસની પરાકાષ્ઠા તો ત્યારે આવતી જ્યારે રાત્રિના 2 વાગ્યે કે 4 વાગ્યે તે પતિ સાથે ઝઘડીને મારપીટ કરતી હતી.
દીકરાને પકડીને કેમ સૂવે છે, મને પકડીને ઊંઘ તેમ કહીને સીધી થપ્પડ મારી દેતી હતી. જેના કારણે તેઓ આખી રાત ઊંઘી પણ શકતા નહોતા. આ અસહ્ય પ્રતાડના છતાં પીડિત સંસાર બચાવવા મથતા રહ્યા, પણ આખરે પાણી માથા પરથી જતું રહ્યું હતું.
‘આ મહિલા ખોટા કેસ કરીને લાખો રૂપિયા પડાવે છે’ આ કેસમાં સૌથી મોટો આક્ષેપ એ છે કે, આ પત્ની કોઈ સામાન્ય મહિલા નહીં પરંતુ કાયદાકીય છટકબારીઓનો ઉપયોગ કરીને પતિઓને લૂંટતી ‘ડિજિટલ લૂંટેરી દુલ્હન’ છે. પીડિત પતિએ આક્ષેપ કર્યો છે કે, સામાન્ય લૂંટેરી દુલ્હનો લગ્ન કરી દાગીના લઈ 5-10 દિવસમાં ભાગી જાય છે, પરંતુ આ મહિલા લગ્ન કર્યા બાદ પતિઓ પર ઘરેલું હિંસા અને ભરણપોષણના ખોટા કેસ કરીને લાખો રૂપિયા પડાવે છે.
પીડિત પતિ પાસે તેનું સ્ટિંગ ઓપરેશન અને સરકારી વકીલનો વીડિયો પણ છે. જેમાં સ્પષ્ટ થાય છે કે આ મહિલાએ તેના અગાઉના બે પતિઓ પાસેથી પણ આ જ રીતે 4.5 લાખ રૂપિયા પડાવ્યા હતા. પીડિત પાસે પણ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે.\
સખી વન સ્ટોપ સેન્ટરમાં રાજીખુશીથી અલગ થયા બાદ પણ ખોટા કેસ પીડિતે જણાવ્યું હતું કે, પત્નીના અતિશય ત્રાસથી કંટાળીને તેઓ 9 મહિનામાં સખી નવ સ્ટોપ સેન્ટરમાં ગયા હતા. જ્યાં કાયદાકીય લખાણ કરીને બંને રાજીખુશીથી એકબીજાથી અલગ થઈ ગયા હતા. તેમ છતાં પત્નીએ તેમને અંધારામાં રાખીને મહેસાણા જઈને તેમની વિરૂદ્ધ ઘરેલું હિંસા અને ભરણપોષણની ખોટી ફરિયાદ દાખલ કરાવી દીધી હતી.
પીડિતે ઉત્તરાયણના દિવસે જ લૂંટેરી દુલ્હન અંગે અરજી આપી હતી, જેને 5 મહિના થવા છતાં કોઈ ગુનો નોંધાયો નથી. પોલીસે તેમને જણાવ્યું હતું કે, 9થી 10 મહિના જૂની આ બાબતમાં દીકરાની ફરિયાદના થાય, જેની સામે પીડિતે સવાલ ઉઠાવ્યા છે.
ફરિયાદ નહીં નોંધાય તો આત્મઘાતી પગલાની ચીમકી પીડિત પતિએ સુરત કલેક્ટર, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ ન્યાયની આખરી ભીખ માંગી છે. તેમણે સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો આગામી 3 તારીખ સુધીમાં તેમની પત્ની વિરૂદ્ધ કમલ 307 (હત્યાનો પ્રયાસ) અને લૂંટેરી દુલ્હન અંગેની બે ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો તેઓ ઈચ્છામૃત્યુ અથવા કોઈ મોટું આત્મઘાતી પગલું ભરવા મજબૂર થશે.
આ કાયદાકીય કાવતરામાં તેમની પત્ની, સાળો, સાસુ અને સાળાના શેઠ સામેલ હોવાના આક્ષેપ સાથે પીડિતે આ તમામ 4 લોકોને પોતાના સંભવિત પગલાં માટે જવાબદાર ગણાવ્યા છે.