ગાંધીના ગુજરાતમાં દારૂની તસ્કરી..સુરતમાં તરબૂચની આડમાં વિદેશી દારુની તસ્કરી

By: Nation Gujarat Team
23 Mar, 2026

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવા નુસખા અપનાવી રહ્યા છે. સુરતમાં પોલીસને ચકમો આપવા માટે બુટલેગરોએ તરબૂચ ભરેલા વાહનનો સહારો લીધો હતો, પરંતુ ક્રાઈમ બ્રાન્ચની બાજ નજરથી તેઓ બચી શક્યા નહોતા. પુના કુંભારીયા વિસ્તારમાં પોલીસે એક બોલેરો પીકઅપને આંતરી તપાસ કરતા ઉપર તરબૂચ અને નીચેથી વિદેશી દારૂની પેટીઓ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની એક બોલેરો પીકઅપ ગાડીમાં તરબૂચની આડમાં વિદેશી દારૂનો જથ્થો સુરત શહેરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે પુના કુંભારીયા વિસ્તારના કાંગારુ સર્કલ પાસે બ્રિજ નીચે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનું વાહન આવતા પોલીસે તેને અટકાવ્યું હતું.

તરબૂચ હટાવતા જ પોલીસ દંગ રહી ગઈ પ્રાથમિક તપાસમાં ગાડીમાં માત્ર તરબૂચ જ દેખાતા હતા. પરંતુ જ્યારે પોલીસે શંકાના આધારે ઉપરથી તરબૂચ હટાવવાનું શરૂ કર્યું, ત્યારે નીચેથી વિદેશી દારૂ અને બિયરની પેટીઓનો ખડકલો જોવા મળ્યો હતો. બુટલેગરોએ પોલીસની નજરમાંથી બચવા માટે આખું પ્લેટફોર્મ એવી રીતે તૈયાર કર્યું હતું કે કોઈને શંકા પણ ન જાય. પોલીસે વિદેશી દારૂ અને બિયરની 50 પેટી (કિંમત ₹4.88 લાખ), બોલેરો પીકઅપ ગાડી (3.50 લાખ), મોબાઈલ ફોન (10,000)મળી કુલ 8.48 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

રાજસ્થાનનો રીઢો ગુનેગાર ઝડપાયો પોલીસે આ મામલે રાજુ ઉર્ફે લુહાર ઉર્ફે રાજુલાલ (ઉં.વ. 38), રહે. ઝાલાવાડ, રાજસ્થાનની ધરપકડ કરી છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે રાજુ અગાઉ પણ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો છે અને લાંબા સમયથી દારૂના હેરાફેરીના નેટવર્ક સાથે જોડાયેલો છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે દારૂનો આ જથ્થો કોણે મંગાવ્યો હતો? રાજસ્થાનથી કયા રૂટ પરથી દારૂ સુરત લાવવામાં આવ્યો? આ નેટવર્કમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે? ક્રાઈમ બ્રાન્ચે હાલ આરોપી સામે ગુનો નોંધી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ સફળ કામગીરીથી શહેરમાં દારૂ ઘુસાડવાના બુટલેગરોના વધુ એક પેંતરાનો પર્દાફાશ થયો છે.

 


Related Posts

Load more