સુરતના અલથાણ વોર્ડ 30ના ભાજપના મહિલા નેતા દીપિકા પટેલના મોતનો મામલે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. PM રિપોર્ટમાં દીપિકાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યોનો ખુલાસો થયો છે. ત્યારે આ સમગ્ર મામલે દીપિકાના સંબંધીઓએ હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. જે બાદ પોલીસ સતત તપાસ કરી રહી છે. ત્યારે દીપિકાએ આપઘાત કેમ કર્યો તેનું રહસ્ય હજુ અકબંધ છે.
ભાજપના મહિલા નેતાના મોત બાદ અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે દીપિકાના આપઘાત બાદ ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકીએ જ સૌપ્રથમ રૂમનો દરવાજો ખોલ્યો હતો અને ચિરાગે લટકી રહેલી દીપિકાને નીચે ઉતારી અને દુપટ્ટો કબાટમાં મુકી દીધો હતો. જે બાદ પરિવારજનો ચિરાગ પટેલ પર આક્ષેપ કરી રહ્યા છે અને તટસ્થ તપાસની માગ કરી રહ્યા છે. સ્વજનોના મતે દીપિકાને કોઇ દ્વારા બ્લેકમેઇલિંગ અથવા મરવા મજબૂર કરાઇ હોવાનો આક્ષેપ પણ કરાયો છે.
દીપિકા વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ તરીકે હાલ ભાજપ સાથે જોડાયેલા હતા. આ જ વોર્ડના કોર્પોરેટર ચિરાગ સોલંકી સાથે તેમનો પરિવાર જેવો સબંધ હોવાનું જણાવ્યું હતુ. દીપિકાના પતિના જણાવ્યા પ્રમાણે, ચિરાગ સોલંકી સાથે બે વર્ષ પહેલાં જ સંપર્ક થયો હતો. દીપિકા ચિરાગને ભાઈ માનતી હતી અને તેને રાખડી બાંધતી હતી. દીપિકાના દીકરાઓ પણ ચિરાગને મામા કહીને સંબોધતા હતા. જોકે, દીપિકાના આપઘાત બાદ સગા સંબંધીઓ ચિરાગ સામે આક્ષેપો કરી રહ્યા છે. પરંતુ દીપિકાના પતિ દ્વારા ચિરાગ સામે કોઈપણ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા નથી.જે બાદ અલથાણ પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.