જયપુરથી ફ્લાઇટમાં સુરત લવાયેલો 6 કિલો ગાંજો જપ્ત, કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી

By: Krunal Bhavsar
19 Feb, 2026

Surat Hybrid Ganja Seizure : સુરત એરપોર્ટ (Surat Airport) પરથી ફરી એકવાર ડ્રગ્સ માફિયાઓનો મોટો પર્દાફાશ થયો છે. કસ્ટમ વિભાગ (Customs Department) દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસમાં કરોડો રૂપિયાની કિંમતનો હાઈબ્રિડ ગાંજો (Hybrid Ganja) ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટનાએ સુરતમાં વધતા જતા ડ્રગ્સ નેટવર્ક સામે લાલબત્તી ધરી છે.

Surat Hybrid Ganja Seizure :એર ઇન્ડિયા ફ્લાઇટમાં ડ્રગ્સની હેરાફેરી

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનના જયપુરથી (Jaipur, Rajasthan) આવતી એર ઈન્ડિયાની ફ્લાઇટ (Air India Flight) મારફતે આ નશીલા પદાર્થની સુરતમાં હેરાફેરી કરવામાં આવી રહી હતી. કસ્ટમ વિભાગના અધિકારીઓને મળેલી બાતમીના આધારે એરપોર્ટ પર ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું હતું. આ દરમિયાન બે શખ્સોની વર્તણૂક શંકાસ્પદ જણાતા તેમની અટકાયત કરી સામાનની તલાશી લેવામાં આવી હતી.

હાઈબ્રિડ ગાંજો અને વેક્યુમ શિલ્ડ પેકિંગ

અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આરોપીઓ પાસેથી 6.04 કિલો હાઈબ્રિડ ગાંજો (6.04 kg Hybrid Ganja) મળી આવ્યો હતો. આ ડ્રગ્સને અત્યંત ચાલાકીથી વેક્યુમ શિલ્ડ પેક (Vacuum Sealed Pack) માં સંતાડવામાં આવ્યો હતો, જેથી સ્નિફર ડોગ કે મશીન તેની ગંધ પારખી ન શકે. પારદર્શક પોલીથીનમાં પેક કરાયેલા કુલ 30 પેકેટ્સ કબજે કરવામાં આવ્યા છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે.

આરોપીઓની ધરપકડ અને મેડિકલ તપાસ

કસ્ટમ વિભાગે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ વિનોદ કૈલાસ ચંદ (Vinod Kailash Chand) અને કામેશ અશોક ઢાકા (Kamesh Ashok Dhaka) ની વિધિવત ધરપકડ કરી છે. ધરપકડ બાદ બંને આરોપીઓને સુરતની નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા.

હાલ કસ્ટમ વિભાગ દ્વારા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ હાઈબ્રિડ ગાંજો સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે, તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.


Related Posts

Load more