ડોગ લવર્સની અરજીઓ ફગાવાઈ
શ્વાન પ્રેમીઓ કે સંગઠનો દ્વારા આ આદેશમાં રાહત આપવાની માગણીને કોર્ટે સખત શબ્દોમાં નકારી કાઢી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સાર્વજનિક સ્થળો પરથી રખડતા કૂતરાઓને હટાવીને તાત્કાલિક એનિમલ શેલ્ટર હોમ્સમાં શિફ્ટ કરવાનો અગાઉનો આદેશ યથાવત રહેશે અને તેમાં કોઈ પણ પ્રકારની ઢીલ આપવામાં આવશે નહીં.
રખડતાં કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશ:
1. જરૂર પડ્યે ઈન્જેક્શન આપી ‘દયા મૃત્યુ’ (Euthanasia) આપો
રેબીઝથી સંક્રમિત અથવા અત્યંત હિંસક અને ખૂંખાર બની ગયેલા કૂતરાઓના કિસ્સામાં, કાયદા હેઠળ જો જરૂર જણાય તો તેમને યુથેનેશિયા (દયા મૃત્યુ) એટલે કે ઈન્જેક્શન આપીને મારી નાખવા જેવા કડક પગલાં પર વિચાર કરો.
2. નિયમોનું કડકાઈથી અમલીકરણ
દેશની તમામ રાજ્ય સરકારોએ પશુ કલ્યાણ બોર્ડના નિયમોને કાગળ પર રાખવાને બદલે જમીન સ્તર પર મજબૂત કરવા પડશે અને તેનો સાચો અમલ કરાવવો પડશે.
3. દરેક જિલ્લામાં ‘ABC સેન્ટર’ ફરજિયાત
દેશના પ્રત્યેક જિલ્લામાં ઓછામાં ઓછું 1 સંપૂર્ણ સુવિધાથી સજ્જ અને કાર્યરત એબીસી સેન્ટર (Animal Birth Control Center) બનાવવું અનિવાર્ય રહેશે.
4. વધુ વસ્તી વાળા વિસ્તારોમાં વધારાના સેન્ટર્સ
જે શહેરો કે વિસ્તારોમાં માણસો અને કૂતરાઓની વસ્તી વધારે છે, ત્યાં સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એબીસી (ABC) સેન્ટરોની સંખ્યા તાત્કાલિક ધોરણે વધારવી પડશે.
5. કોર્ટના આદેશોનું અક્ષરશઃ પાલન
અગાઉ કોર્ટે પબ્લિક પ્લેસ, હોસ્પિટલ અને સ્કૂલો વિશે જે પણ આદેશો આપ્યા છે અને પશુ કલ્યાણના જે પણ કાયદા છે, તેનું સંપૂર્ણ પાલન એજન્સીઓએ કરવું જ પડશે.
6. જાહેર સ્થળો માટે સમયમર્યાદા નક્કી કરો
જનતાની સુરક્ષા સર્વોપરી હોવાથી, અન્ય તમામ મહત્વના સાર્વજનિક સ્થળો પર પણ આ નિયમો કેવી રીતે લાગુ કરવા તેનો નિર્ણય લઈ તેને એક ચોક્કસ ટાઈમલાઈનમાં પૂરો કરવો પડશે.
7. હોસ્પિટલોમાં એન્ટી-રેબીઝ દવાઓનો સ્ટોક
દેશની તમામ હોસ્પિટલો અને સ્વાસ્થ્ય કેન્દ્રો પર કૂતરા કરડવાની સારવાર માટે વપરાતી એન્ટી-રેબીઝ (Anti-Rabies) દવાઓ અને રસીઓ પૂરતા જથ્થામાં હાજર રહે તે સુનિશ્ચિત કરવું પડશે.
8. નેશનલ હાઈવે પરથી રખડતા પશુઓ હટાવો
NHAIને આદેશ અપાયો છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અકસ્માત સર્જતા રખડતા પશુઓની સમસ્યા પતાવવા જૂના ટ્રાન્સપોર્ટ વાહનોનો ઉપયોગ કરી તેમને હાઈવે પરથી હટાવે અને આ માટે મોનિટરિંગ સિસ્ટમ ગોઠવે.
9. કામ કરનારા અફસરોને મળશે કાનૂની રક્ષણ
જે નગરપાલિકા, મહાનગરપાલિકા કે સરકારી અધિકારીઓ સુપ્રીમ કોર્ટના આ કડક આદેશોનું પાલન કરાવવા માટે ગ્રાઉન્ડ પર કામ કરશે, તેમને સંપૂર્ણ કાયદાકીય સુરક્ષા અપાશે. સામાન્ય સંજોગોમાં તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી નહીં.