ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની 24મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું છે. બુધવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નર અને ગ્લેન મેક્સવેલની તોફાની સદીની મદદથી 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 399 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ 21 ઓવરમાં 90 રન જ બનાવી શકી હતી. નેધરલેન્ડના 6 બેટ્સમેન ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા. નેધરલેન્ડ માટે વિક્રમે સૌથી વધુ 25 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પા સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 વિકેટ ઝડપી હતી.
400 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની ટીમે પાંચમી ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી અને માત્ર 21 ઓવર જ રમી શકી. નેધરલેન્ડ માટે ઓપનર વિક્રમજીત સિંહે સૌથી વધુ 25 રન બનાવ્યા હતા. વિક્રમ ઉપરાંત એકરમેન, સાયબ્રાન્ડ, એડવર્ડ્સ અને તેજા ડબલ ફિગર પર પહોંચ્યા
આ પહેલા ડેવિડ વોર્નર અને ગ્લેન મેક્સવેલની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડ સામે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 399 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે 106 અને ડેવિડ વોર્નરે 104 રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલ અને પેટ કમિન્સ વચ્ચે સાતમી વિકેટ માટે સદીની ભાગીદારી થઈ હતી. નેધરલેન્ડ માટે લોગાને ચાર વિકેટ ઝડપી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી રહી ન હતી. ઓસ્ટ્રેલિયાની પહેલી વિકેટ ચોથી ઓવરમાં મિશેલ માર્શના રૂપમાં પડી હતી. માર્શ 15 બોલમાં માત્ર 9 રન જ બનાવી શક્યો હતો. આ પછી ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથે અડધી સદી ફટકારી અને બંને વચ્ચે સદીની ભાગીદારી થઈ. સ્ટીવ સ્મિથ 68 બોલમાં 71 રન બનાવીને આઉટ થયો હતો. માર્નસ લાબુશેને જોરદાર ઇનિંગ રમી અને 47 બોલમાં 62 રન બનાવ્યા. ડેવિડ વોર્નરે વર્લ્ડ કપમાં ફરી સદી ફટકારી હતી. વોર્નર 93 બોલમાં 104 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કેમરૂન ગ્રીન 8ના અંગત સ્કોર પર રનઆઉટ થયો હતો. મેક્સવેલ અને કમિન્સ વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી. મેક્સવેલ 44 બોલમાં 106 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. પોતાની ઇનિંગમાં તેણે 9 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. મિચેલ સ્ટાર્ક ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો..