WWE RAW માં જોન સીના નો જાદુ યથાવત , 23 વર્ષ પછી જીતી IC ચેમ્પિયનશિપ, ડોમેનિક હાર્યો

By: Krunal Bhavsar
13 Nov, 2025

ચેમ્પિયન જોન સીના : WWE Raw નો તાજેતરનો એપિસોડ અત્યંત રોમાંચક રહ્યો. લેજેન્ડરી રેસલર જોન સીનાએ પોતાના હોમટાઉન બોસ્ટનમાં ભવ્ય એન્ટ્રી કરી. સીના માત્ર આવ્યા જ નહીં, પરંતુ તેમણે ડોમિનિક મિસ્ટેરીયોને હરાવીને ઈન્ટરકોન્ટિનેન્ટલ ચેમ્પિયનશિપ (Intercontinental Championship) પણ જીતી લીધી. પોતાના 23 વર્ષના લાંબા કરિયરમાં પ્રથમ વખત આ ટાઇટલ જીતીને સીનાએ ઇતિહાસ રચ્યો છે. આ જીત સાથે જ તેઓ WWE ના પ્રતિષ્ઠિત ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન (Grand Slam Champion) પણ બની ગયા છે. WWE એ સીનાની કારકિર્દીના અંતિમ તબક્કે આ બહુ મોટો ‘ગિફ્ટ’ આપ્યો છે, જેનાથી ફેન્સમાં ખુશીની લહેર જોવા મળી હતી.

 

ડોમિનિક મિસ્ટેરીયોનો 204 દિવસનો શાસનકાળ સમાપ્ત – Intercontinental Champion

 મિસ્ટેરીયોએ આ વર્ષની રેસલમેનિયા 41 (WrestleMania 41) માં જીતેલી ફેટલ 4-વે મેચમાં જીત મેળવીને ઈન્ટરકોન્ટિનેન્ટલ ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ત્યારથી તેનો ટાઇટલ રન ઘણો પ્રભાવશાળી રહ્યો હતો. તેણે 10 થી વધુ વખત આ ચેમ્પિયનશિપને સફળતાપૂર્વક ડિફેન્ડ કરી હતી. જોકે, આ વખતે તે જોન સીનાને હરાવી શક્યો નહીં. સીનાએ 204 દિવસ પછી ડોમિનિકની બાદશાહતનો અંત લાવીને મોટું પરાક્રમ કર્યું છે.

સ્વાગત બાદ ચેમ્પિયનશિપ મેચની જાહેરાત – John Cena WWE Return

આ સપ્તાહે Raw ની શરૂઆત WWE ના ચીફ કન્ટેન્ટ ઓફિસર ટ્રિપલ એચ (Triple H) દ્વારા કરવામાં આવી. તેમણે એક અદ્ભુત અંદાજમાં જોન સીનાનું સ્વાગત કર્યું અને તેમને રિંગમાં બોલાવ્યા. સીનાની એન્ટ્રી થતાં જ બોસ્ટનના ફેન્સનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો હતો. જોન સીનાએ બધાનો આભાર માન્યો અને 13 ડિસેમ્બરે યોજાનારી તેમની કરિયરની છેલ્લી મેચ વિશે વાત કરી.

જોકે, થોડી જ વારમાં ‘ડોમિનિક મિસ્ટેરીયો’ ની એન્ટ્રી થઈ. તેણે સીનાની મજાક ઉડાવી અને પોતાને ઇતિહાસનો સૌથી મહાન રેસલર ગણાવ્યો. મિસ્ટેરીયોએ સીનાને પડકાર ફેંકતા કહ્યું કે તે ગમે ત્યારે, ગમે ત્યાં, સીનાની હાલત બગાડી શકે છે. આ પડકાર પછી ટ્રિપલ એચે તુરંત જ ત્યાં ચેમ્પિયનશિપ મેચ ની જાહેરાત કરી દીધી.

જોન સીના vs ડોમિનિક મિસ્ટેરીયો: એક રોમાંચક જંગ – John Cena vs Dominik Mysterio Match

ડોમિનિક મિસ્ટેરીયો અને જોન સીના વચ્ચે એક સખત અને રોમાંચક મેચ જોવા મળી. મિસ્ટેરીયોએ આ દિગ્ગજ ખેલાડીને જોરદાર પડકાર આપ્યો. તેણે જીતવા માટે યુક્તિઓ અને ચીટિંગ (Cheating) નો પણ સહારો લીધો, પરંતુ તે સફળ થઈ શક્યો નહીં. સીનાએ મિસ્ટેરીયોને બે વાર પોતાનો ટ્રેડમાર્ક AA (Attitude Adjustment) મૂવ આપ્યો, પરંતુ પરિણામ ન મળ્યું.

મિસ્ટેરીયોએ મેચમાંથી ભાગવાનો પ્રયાસ પણ કર્યો, પણ સીના તેને રિંગમાં પાછો લાવ્યા. મિસ્ટેરીયોએ ચાલાકીથી રેફરીને પણ નીચે પાડી દીધો હતો. એક તબક્કે, મિસ્ટેરીયોએ સબમિશન કરીને ટેપઆઉટ પણ કરી લીધું હતું, પરંતુ રેફરી ગેરહાજર હોવાથી તે ગણાયું નહીં. અંતે, ડોમે સીનાને 619 લગાવ્યો અને ટોપ રોપ પરથી ફ્રોગ સ્પ્લેશ (Frog Splash) પણ આપ્યો. જોકે, સીનાએ હાર ન માની અને મિસ્ટેરીયોને ઊંચકીને અંતિમ AA લગાવ્યો અને પિન કરીને મેચ જીતી લીધી. આ સાથે જ જોન સીના (John Cena) નવા ઈન્ટરકોન્ટિનેન્ટલ ચેમ્પિયન બન્યા.


Related Posts

Load more