CWG 2026 : ભારતે જીત્યો છઠ્ઠો મેડલ, વેઇટ લિફ્ટર બિંદિયારાની દેવીએ અપાવ્યો બ્રોન્ઝ તો જ્ઞાનેશ્વરી યાદવ નો સિલ્વર

By: Krunal Bhavsar
28 Jul, 2026

Commonwealth Games 2026 : ગ્લાસ્ગોમાં રમાઈ રહેલી કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય વેટલિફ્ટરોનું શાનદાર પ્રદર્શન યથાવત છે. આજે એક જ દિવસમાં ભારતની દિકરીએ દેશને બીજું મેડલ અપાવ્યું છે. મણિપુરની 27 વર્ષીય વેઇટ લિફ્ટરબિંદિયારાની દેવીએ મહિલાઓની 58 KG કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. કૉમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં તેમનો આ સતત બીજો મેડલ છે. આ પહેલા આજે જ્ઞાનેશ્વરી યાદવે વેઇટ લિફ્ટિંગમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. આ સાથે આ સ્પર્ધામાં ભારતે કુલ છ મેડલ જીતી લીધા છે.

બિંદિયારાની દેવીનું શાનદાર પ્રદર્શન

બિંદિયારાની દેવીએ કુલ 199 KG વજન ઉપાડીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. તેમણે સ્નેચ રાઉન્ડમાં 87 KG (પ્રથમ પ્રયાસ 83 KG, બીજો 85 KG, ત્રીજો 87 KG) વજન ઉપાડ્યું હતું. ત્યારબાદ ક્લીન એન્ડ જર્કના બીજા પ્રયાસમાં 112 KG વજન સફળતાપૂર્વક ઉપાડીને મેડલ પાકો કર્યો હતો. આ ઇવેન્ટમાં નાઇજીરિયાની આરએફ લવાલે 229 KG ના ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ અને કેનેડાની તેશ્ચેરોએ સિલ્વર મેડલ જીત્યો છે.

જ્ઞાનેશ્વરી યાદવે અપાવ્યો સિલ્વર મેડલ

વેઇટ લિફ્ટિંગની મહિલા 53 KG કેટેગરીમાં 22 વર્ષીય જ્ઞાનેશ્વરી યાદવે ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. છત્તીસગઢની રહેવાસી અને હાલમાં પોલીસ અસિસ્ટન્ટ સબ-ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતી જ્ઞાનેશ્વરીએ કુલ 199 KG (સ્નેચ 88 KG અને ક્લીન એન્ડ જર્ક 111 KG) વજન ઉપાડ્યું હતું.

રાજા મુથુપાંડીનો સિલ્વર પર કબ્જો

પુરુષોના વેઇટ લિફ્ટિંગમાં પણ ભારતે સફળતા મેળવી છે. 65 KG કેટેગરીમાં રાજા મુથુપાંડીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેમણે સ્નેચમાં 126 KG અને ક્લીન એન્ડ જર્કમાં 160 KG મળીને કુલ 286 KG વજન ઉપાડ્યું હતું.

કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના મેડલ વિજેતા

ભારતે અત્યાર સુધીમાં 1 ગોલ્ડ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 6 મેડલ મેળવ્યા છે.

  • 1… મીરાબાઈ ચાનૂ – ગોલ્ડ મેડલ (વેઇટ લિફ્ટિંગ, 48 KG)
  • 2… જ્ઞાનેશ્વરી યાદવ – સિલ્વર મેડલ (વેઇટ લિફ્ટિંગ, 53 KG)
  • 3… રાજા મુથુપાંડી – સિલ્વર મેડલ (વેઇટ લિફ્ટિંગ, 65 KG)
  • 4… ઋષિકાંત સિંહ – સિલ્વર મેડલ (વેઇટ લિફ્ટિંગ, 60 KG)
  • 5… બિંદિયારાની દેવી – બ્રોન્ઝ મેડલ (વેઇટ લિફ્ટિંગ, 58 KG)
  • 6… ઝંડુ કુમાર – બ્રોન્ઝ મેડલ (પેરા પાવરલિફ્ટિંગ, હેવીવેટ)

મેડલ ટેલીમાં ભારત 8મા ક્રમે

કૉમનવેલ્થ ગેમ્સ 2026ના મેડલ ટેબલમાં ઓસ્ટ્રેલિયા 17 ગોલ્ડ અને કુલ 40 મેડલ સાથે પ્રથમ સ્થાને છે. ઇંગ્લેન્ડ 5 ગોલ્ડ (કુલ 21 મેડલ) સાથે બીજા અને નાઇજીરિયા 5 ગોલ્ડ (કુલ 9 મેડલ) સાથે ત્રીજા સ્થાને છે. કેનેડા ચોથા, સ્કોટલેન્ડ પાંચમા અને દક્ષિણ આફ્રિકા છઠ્ઠા સ્થાને છે, જ્યારે ભારત કુલ 6 મેડલ સાથે 8મા ક્રમે આવે છે.

 


Related Posts

Load more