ગીર-સોમનાથ: સોમનાથમાં શ્રાવણ-2026નો 30 દિવસીય શિવમય મહોત્સવ 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી યોજાશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં વિવિધ શૃંગાર, 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞ અને પાલખીયાત્રા સાથે લાખો ભક્તોનો મહાસંગમ થશે.
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના પાવન સાન્નિધ્યમાં શ્રાવણ-2026નો 30 દિવસીય શિવમય મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. તા. 13 ઓગસ્ટથી તા. 11 સપ્ટેમ્બર, શ્રાવણ વદ અમાસ સુધી સોમનાથ તીર્થ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં પરિવર્તિત થશે.
શ્રાવણ માસ દરમિયાન દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પહોંચે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિક સુવિધા, દર્શન વ્યવસ્થા, પૂજન, ભોજન, પાર્કિંગ અને સુરક્ષા સહિતની વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે.
શ્રાવણના ચાર સોમવાર ઉપરાંત રક્ષાબંધન, સાતમ-આઠમ, જન્માષ્ટમી, માસિક શિવરાત્રિ અને અમાસ જેવા પર્વોમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડવાની શક્યતા છે. આથી ટ્રસ્ટ દ્વારા વિવિધ વિભાગોમાં માઇક્રો મેનેજમેન્ટ સાથે વધારાનો સ્ટાફ અને જરૂરી સાધનસામગ્રી તૈનાત કરવામાં આવી છે. સોમવાર તથા વિશેષ પર્વોના દિવસોમાં મંદિર સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે.
પ્રથમ વખત 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞ
શ્રાવણ દરમિયાન પ્રથમ વખત સોમનાથમાં 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી અલગ-અલગ સ્લોટમાં ભક્તોને યજ્ઞમાં યજમાન બનવાની તક મળશે. માત્ર રૂ. 51ના ન્યોછાવરથી ભક્તોને આહુતિ દ્રવ્ય, ધોતી તેમજ યજ્ઞમાં જોડાવાની સુવિધા આપવામાં આવશે.
યજ્ઞમાં ગીર ગાયના છાણાનો ઉપયોગ થાય તે માટે ગીર સોમનાથ જિલ્લાના ગૌપાલકોને પણ આ આયોજન સાથે જોડવામાં આવી રહ્યા છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ હજારો ગૌપાલકોએ છાણાના અનુદાન માટે નામ નોંધાવ્યું છે.
30 દિવસ વિવિધ દિવ્ય શૃંગારથી સજશે સોમનાથ મહાદેવ
શ્રાવણના 30 દિવસ દરમિયાન સોમનાથ મહાદેવને ધાર્મિક મહાત્મ્ય ધરાવતા વિવિધ વિશિષ્ટ શૃંગાર કરવામાં આવશે. સવાલક્ષ બિલ્વપત્ર શૃંગાર, રુદ્રાક્ષ શૃંગાર, ભસ્મ દર્શન, વૈષ્ણવ દર્શન અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ સહિતના વિશેષ શૃંગાર ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
સોમવાર ઉપરાંત અમાસ અને શિવરાત્રિએ પણ પાલખીયાત્રા
શ્રાવણના ચાર સોમવાર ઉપરાંત શ્રાવણ પૂર્ણિમા, માસિક શિવરાત્રિ અને અમાસના દિવસે પણ પ્રથમ વખત સોમનાથ મહાદેવની પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવશે. પાલખીયાત્રામાં હજારો શિવભક્તો જોડાઈ પાલખીને ઊંચકીને ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો અનુભવ કરશે.
વૃદ્ધો અને દિવ્યાંગો માટે વિશેષ સુવિધા
વૃદ્ધો, અશક્ત અને દિવ્યાંગ યાત્રિકોને ધ્યાનમાં રાખીને પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગથી મંદિર સુધી પહોંચવા માટે નિઃશુલ્ક ટોય ટ્રેન, વ્હીલચેર અને ગોલ્ફ કાર્ટ માટે નિઃશુલ્ક ટિકિટ તેમજ સહાયક સ્ટાફની વ્યવસ્થા રહેશે. વૃદ્ધો અને દિવ્યાંગોને દર્શનમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
પૂજા માટે ‘વન સ્ટોપ સોલ્યુશન’
સંકીર્તન ભવન ખાતે ભક્તો માટે વિવિધ ધાર્મિક પૂજાઓની સુવિધા એક જ સ્થળે મળી રહે તે માટે ‘વન સ્ટોપ સોલ્યુશન’ ઊભું કરવામાં આવ્યું છે. અહીં ધ્વજા પૂજા, પાઘ પૂજા, માર્કંડેય પૂજા, કાલસર્પયોગ નિવારણ પૂજા, રુદ્રાભિષેક સહિતની વિવિધ પૂજાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ રીતે શ્રાવણના પવિત્ર માસ દરમિયાન સોમનાથમાં ભક્તિ, ધર્મ અને આધ્યાત્મિકતાનો અનોખો મહોત્સવ સર્જાશે. લાખો શ્રદ્ધાળુઓના સંભવિત આગમન વચ્ચે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને સુગમ અને શ્રદ્ધાસભર દર્શનનો અનુભવ મળે તે માટે સમગ્ર આયોજનને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.