SIRની કામગીરી વચ્ચે ચૂંટણીપંચે BLOને આપ્યા ખુશખબર, માનદ વેતનમાં કર્યો બમ્પર વધારો!

By: nationgujarat
30 Nov, 2025

એસઆઈઆર (સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન)ની કામગીરી વચ્ચે ચૂંટણીપંચે BLO કર્મચારીઓને ખુશખબર આપી છે. જી હા… લોકશાહીના પાયા સમાન મતદારયાદી સુધારાણા કાર્યક્રમમાં જોડાયેલા ફિલ્ડ અધિકારીઓ માટે કેન્દ્રીય ચૂંટણી પંચે એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે, જેનાથી બૂથ લેવલ ઓફિસર્સ (BLO) સહિતના સ્ટાફના માનદ વેતન અને પ્રોત્સાહન ભથ્થામાં મોટો વધારો કરવામાં આવ્યો છે.

BLOનું માનદ વેતન બમણું, 2015 પછી પહેલો વધારો
ચૂંટણી પંચે બૂથ લેવલ ઓફિસર (BLO) નું માનદ વેતન વાર્ષિક 6,000થી વધારીને 12,૦૦૦ કરી દીધું છે. આ વધારો 2015 પછી પહેલી વાર કરવામાં આવ્યો છે. આ સાથે, મતદારયાદીમાં સુધારણા કરવા બદલ BLOને મળતું પ્રોત્સાહન ભથ્થું પણ 1,000થી વધારીને 2,000 કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, BLO સુપરવાઇઝરનું વાર્ષિક માનદ વેતન પણ 12,000થી વધારીને 18,000 કરવામાં આવ્યું છે.

AERO અને EROને પ્રથમવાર માનદ વેતન
સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં, ચૂંટણી પંચે આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ (AERO) અને ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ (ERO) માટે પ્રથમ વખત માનદ વેતન મંજૂર કર્યું છે. AERO ને હવે વાર્ષિક 25,000ની માનદ રકમ મળશે. EROને વાર્ષિક 30,000 ની માનદ રકમ મળશે. અત્યાર સુધી ERO અને AEROને આ કામગીરી માટે કોઈ અલગથી પ્રોત્સાહન કે માનદ રકમ આપવામાં આવતી નહોતી.

કામગીરીનું સન્માન અને મનોબળ વધારવાનો ઉદ્દેશ
ચૂંટણી પંચનું માનવું છે કે આ ફિલ્ડ અધિકારીઓ લોકશાહીની કરોડરજ્જુ સમાન છે અને તેમની મહેનત વિના નિષ્પક્ષ ચૂંટણી શક્ય નથી. આ પગલું ફિલ્ડ સ્તરે કામ કરતા કર્મચારીઓનું મનોબળ વધારવા અને મતદારયાદીની ચોકસાઈ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી ભરવામાં આવ્યું છે.

બિહારમાં વિશેષ પ્રોત્સાહન
વધારાના લાભ તરીકે, બિહારમાં સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન (SIR) ની કામગીરીમાં જોડાયેલા BLOને વધારાના 6,000નું વિશેષ પ્રોત્સાહન પણ મંજૂર કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચના આ નિર્ણયથી લાંબા સમયથી પડતર માંગણી સંતોષાતા મતદારયાદીની કામગીરીમાં જોડાયેલા લાખો કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે.


Related Posts

Load more