Rajkot Airport Silver Seizure: રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (International Airport) પર ગત દિવસોમાં ઝડપાયેલા 400 કિલો ચાંદીના જથ્થા મામલે અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. સત્તાવાર તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ વિશાળ જથ્થામાંથી 181 કિલો ચાંદી સંપૂર્ણપણે બિનહિસાબી છે. આ ઘટસ્ફોટ બાદ હવે કેન્દ્રીય એજન્સીઓ હરકતમાં આવી છે અને ટેક્સ ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ થવાની પૂરેપૂરી શક્યતા છે.
રાજકોટ એરપોર્ટ પર કાર્ગો સુવિધા દ્વારા મંગાવવામાં આવેલા 400 કિલો ચાંદીના જથ્થાની જ્યારે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે તેમાંથી માત્ર 219 કિલો ચાંદીના જ માન્ય દસ્તાવેજો ઉપલબ્ધ હતા. બાકીની 181 કિલો ચાંદીનો કોઈ હિસાબ કે બિલ (Invoice) ન મળતા વિભાગ દ્વારા તેને જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જો આ મામલે યોગ્ય તપાસ થશે તો ગુજરાતમાં ચાલતા ટેક્સ ચોરીના (Tax Evasion) મોટા નેટવર્કનો પર્દાફાશ થઈ શકે તેમ છે. હાલમાં સેન્ટ્રલ GST (CGST) વિભાગ આ મામલે તપાસ ચલાવી રહ્યું છે, પરંતુ બિનહિસાબી જથ્થાની કિંમત અને તેની પાછળના શંકાસ્પદ વ્યવહારોને જોતા આગામી સમયમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને પણ આ કેસ સોંપવામાં આવી શકે છે.
તપાસ એજન્સીઓ હવે એ દિશામાં પણ કામ કરી રહી છે કે આ પહેલા આ રીતે કેટલા કન્સાઈનમેન્ટ (Consignments) રાજકોટ આવ્યા હતા અને તેમાં કેટલું બિનહિસાબી ચાંદી લાવવામાં આવ્યું હતું. સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે રાજકોટની કઈ પેઢી (Firm) આ જથ્થો મંગાવી રહી હતી અને આટલી મોટી માત્રામાં બિનહિસાબી કિંમતી ધાતુ લાવવાનો હેતુ શું હતો?