કેન્યા રાષ્ટ્રનું મોમ્બાસા બંદર “વેપારીઓનું શહેર” તરીકે સેંકડો વર્ષોથી સુપ્રસિદ્ધ છે. મોમ્બાસા દરિયાકિનારાએ પૂર્વ અને મધ્ય આફ્રિકા વચ્ચેનું પ્રવેશદ્વાર હોવાનું મનાય છે. જે તેને વિશ્વના સૌથી વ્યસ્ત બંદરો પૈકીનું એક છે.
સર્વોપરી, સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપશ્રીના સર્વોપરી સિદ્ધાંતોના પ્રચાર અને પ્રસાર કરવા દરિયાપાર વિદેશની ધરતી પર સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્માચાર્ય સૌ પ્રથમ પહેલ કરનાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા આજથી ૭૬ વર્ષ પહેલાં પૂર્વ આફ્રિકાના કેન્યા રાષ્ટ્રના મોમ્બાસા હિન્દ મહાસાગર તટે બંદરે તારીખ: ૧૬/૦૪/૧૯૪૮ને શુક્રવારના શુભ દિને પધાર્યા હતા. તેને આ વર્ષે ૭૬ વર્ષ પૂર્ણ થયાં છે. તો આવા પાવનકારી અવસરે તથા “શ્રી સ્વામિનારાયણ મંદિર, અરુષા શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા” મહોત્સવની ઉજવણી નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજનું ચતુર્થ વિચરણ છે.
અનેક વિવિધતાઓથી સમૃદ્ધ કેન્યાના મોમ્બાસામાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ પૂજનીય સંતો હરિભક્તો સહ નાઈરોબીથી હવાઈ જહાજ દ્વારા મોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ – મોમ્બાસા પધાર્યા હતા. એરપોર્ટથી પોલીસ એસ્કોર્ટ સેવામાં હાજર રહી હતી. મોમ્બાસા પધારતાં હરિભક્તોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. નાનાં નાનાં બાળકોએ સ્વાગત કીર્તન દ્વારા નૃત્યની પ્રસ્તુતિ કરી હતી અને સ્વાગર સામૈયું કરવામાં આવ્યું હતું.
પંચમ દિવસીય પાવનકારી સત્સંગ વિચરણ દરમ્યાન મોમ્બાસા, સ્વામીબાપા પ્રાર્થના હોલમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની મૂર્તિઓનું પૂજન, અર્ચન અને નિરાજન – આરતી કરવામાં આવી હતી તથા આ પાવનકારી અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજનું પરમોલ્લાસભેર ભવ્યતાતિભવ્ય સ્વાગત સામૈયું કરવામાં આવ્યું હતું. આ અણમોલ અવસરે શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપશ્રીની વાતોની સમુહ પારાયણો, કીર્તન ભક્તિ, રાસોત્સવ તથા પરમ પૂજય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજના આશીર્વાદ વગેરે આધ્યાત્મિકસભર કાર્યક્રમો યોજાયા હતા.
આ પાવનકારી પ્રસંગે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં ભગવાનનું ભજન કરી મનુષ્ય જન્મ સાર્થક કરી લેવા તેમજ દરેક ક્રિયામાં ભગવાનનું અખંડ અનુસંધાન રાખવા એટલે ભગવનને મુખ્ય રાખવા વિશે હાકલ કરવામાં આવી હતી.
વળી, હિન્દ મહાસાગરના તટે શ્રી હરિકૃષ્ણ મહારાજનું પંચામૃતથી અભિષેક વિધિ તેમજ સમુદ્ર સ્નાન પણ કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં હરિભક્તોએ પણ પરમોલ્લાસભેર લાભ માણ્યો હતા. કચ્છી લેવા પટેલ સમાજના ભામાશા હસમુખભાઈ ભુડિયાના સુપુત્રો ધ્રુવભાઈ, દર્શકભાઈ એમના ધર્મપત્ની, માતુશ્રી, પુત્રવધૂ વગેરે પરિવારજનોનું પાઘ, શાલ વગેરેથી સન્માન તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિય સ્વામીજી મહારાજ તથા આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સાથેના હસમુખભાઈ ભુડિયાના પેઇન્ટિંગ તૈલ ચિત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ દેશ વિદેશના અનેક ભાવિક હરિભક્તો પણ ઉમંગભેર જોડાયા હતા. નાનાં નાનાં બાળકો, યુવાનો, આબાલવૃદ્ધ વયના હરિભક્તોએ પણ જ્ઞાનયજ્ઞનો તેમજ કારણ સત્સંગનો પરમોલ્લાસભેર લ્હાવો લીધો હતો.