નવી દિલ્હી,કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, નવી દિલ્હીના સંશોધન અને વિકાસ પ્રકોષ્ઠ દ્વારા 8 અને 9 ઑગસ્ટ દરમિયાન વેદાંત પરંપરાના દાર્શનિક વૈભવ તથા તેની સમકાલીન પ્રાસંગિકતા પર કેન્દ્રિત રાષ્ટ્રીય સંગોષ્ઠી, ગ્રંથ-લોકાર્પણ તેમજ વિશેષ વ્યાખ્યાનમાળાના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
8 ઑગસ્ટના રોજ વસંતકુંજ, નવી દિલ્હી સ્થિતવેદ–વેદાંત અધ્યયન અને સંશોધન સંસ્થાન (VVSRI)ખાતે આયોજિત રાષ્ટ્રીય સંગોષ્ઠીના અવસરે‘વેદાંતદર્શનસંગ્રહ’ગ્રંથનું વિધિવત્ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉડુપી સ્થિત પેજાવર અધોક્ષજ મઠના પરમ પૂજ્ય શ્રી શ્રી વિશ્વપ્રસન્નતીર્થ સ્વામીજી તથા BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અધ્યક્ષ મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીજીની પાવન ઉપસ્થિતિ રહી હતી. સમારોહની અધ્યક્ષતા કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. શ્રીનિવાસ વરખેડીએ કરી હતી.
આ પ્રસંગે કુલપતિ પ્રો. શ્રીનિવાસ વરખેડીએ જણાવ્યું હતું કેઅક્ષરપુરુષોત્તમ દર્શન ભારતની વૈદિક દાર્શનિક પરંપરામાં સાતમું વૈદિક દર્શન છેઅને કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય દ્વારા પ્રકાશિત‘વેદાંતદર્શનસંગ્રહ’ગ્રંથમાં તેને વેદાંતની મુખ્ય દાર્શનિક પરંપરાઓ સાથે સ્થાન આપવામાં આવ્યું છે. આ રીતે અક્ષરપુરુષોત્તમ દર્શનને ભારતીય વેદાંતના શાસ્ત્રીય અધ્યયનના વ્યાપક શૈક્ષણિક પરિપ્રેક્ષ્યમાં સ્થાન મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ‘વેદાંતદર્શનસંગ્રહ’ ગ્રન્થ લેખનમાં ડૉ આત્મતૃપ્ત સ્વામીનું (પ્રધાનાચાર્ય, BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય, સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, વેરાવળ) ઘણું યોગદાન રહ્યું.
આ જ ક્રમમાં 9 ઑગસ્ટના રોજ સાંજે 5થી 7 વાગ્યા દરમિયાનસ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હીખાતે ભારતના પ્રતિષ્ઠિત વિદ્વાનોની ઉપસ્થિતિમાં વિશેષ વ્યાખ્યાનમાળાનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉડુપીના પેજાવર અધોક્ષજ મઠના પરમ પૂજ્ય શ્રી શ્રી વિશ્વપ્રસન્નતીર્થ સ્વામીજીએ પ્રથમ વ્યાખ્યાન આપીને આ વિશેષ વ્યાખ્યાનમાળાનો પ્રારંભ કર્યો હતો.
આ પ્રસંગે વેદાંતવિદ્યા, સંસ્કૃત વાઙ્મય તથા ભારતીય જ્ઞાનપરંપરાના અધ્યયન, સંશોધન અને વૈશ્વિક પ્રસાર માટેના વિશિષ્ટ યોગદાનને માન્યતા આપતાં મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીજીને કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય દ્વારા વિશેષ સન્માન સાથે પ્રતિષ્ઠિત ‘વેદાંતવિદ્યાવિશ્વગુરુ’ની ઉપાધિ એનાયત કરવામાં આવી હતી.આ વિશિષ્ટ સન્માન સ્વામીજીએ ગુરુહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના ચરણોમાં સમર્પિત કર્યું હતું.
સમારોહમાં સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. સુકાંતકુમાર સેનાપતિ, દિલ્લી વિશ્વવિદ્યાલયના સંસ્કૃત વિભાગાધ્યક્ષ પ્રો ઓમનાથ બીમલીજીસહિત દેશના વિવિધ વિશ્વવિદ્યાલયો અને પ્રતિષ્ઠિત સંસ્થાઓના ખ્યાતનામ વિદ્વાનો, વેદાંત નિષ્ણાતો, આચાર્યો તથા સંશોધકોએ સહભાગિતા નોંધાવી હતી.
આ સમગ્ર કાર્યક્રમના સંયોજક તરીકે પૂજ્ય મુનિવત્સલ સ્વામીએ જવાબદારી નિભાવી હતી. રાષ્ટ્રીય સંગોષ્ઠી, ગ્રંથ-લોકાર્પણ અને વિશેષ વ્યાખ્યાનમાળાના આ સમગ્ર આયોજન દ્વારા ભારતીય વેદાંત પરંપરાના વિવિધ દર્શનો વચ્ચે શાસ્ત્રીય સંવાદને પ્રોત્સાહન મળ્યું છે અને સંસ્કૃત તથા ભારતીય જ્ઞાનપરંપરાના ઉચ્ચ અધ્યયન અને સંશોધન માટે એક મહત્વપૂર્ણ શૈક્ષણિક મંચ પ્રાપ્ત થયું છે.