પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ફરી એકવાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પર શાબ્દીક હુમલો કર્યો છે. શાહિદ આફ્રિદીએ બીસીસીઆઈ પર રમતને રાજકારણ સાથે મિશ્રિત કરવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ભારત પોતાની ક્રિકેટ ટીમને પાકિસ્તાન મોકલવા તૈયાર નથી. બીજી તરફ, PCB ટૂર્નામેન્ટને હાઇબ્રિડ મોડમાં બદલવાનો ઇરાદો ધરાવતું નથી, જેમાં ભારતની મેચો UAEમાં યોજાશે. શાહિદ આફ્રિદીએ ચેમ્પિયન્સ ટ્રોફીને હાઇબ્રિડ મોડલમાં ન બદલવાના PCBના નિર્ણયનું સમર્થન કર્યું છે.
શાહિદ આફ્રિદીએ X પર લખ્યું, ‘રાજકારણને રમત સાથે જોડીને BCCIએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને જોખમમાં મૂકી દીધું છે. હું હાઇબ્રિડ મોડલ સામે PCBના વલણને સંપૂર્ણ સમર્થન આપું છું, ખાસ કરીને જ્યારે પાકિસ્તાને 26/11 પછી 5 વખત ભારતનો પ્રવાસ કર્યો છે, જેમાં સુરક્ષાની ચિંતાઓ હોવા છતાં, દ્વિપક્ષીય સફેદ-બોલ શ્રેણીનો સમાવેશ થાય છે. ICC અને તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે નિષ્પક્ષતા જાળવવાનો અને તેમની સત્તા પર ભાર મૂકવાનો સમય આવી ગયો છે
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) આજે એટલે કે 29મી નવેમ્બરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સાથે બેઠક કરશે. આ વર્ચ્યુઅલ મીટિંગમાં હાઇબ્રિડ મોડલમાં ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. ભારતે ICCને ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાની ના પાડી દીધી છે. PCB ઈચ્છે છે કે આખી ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ લાહોર, કરાચી અને રાવલપિંડીમાં રમાય. જો કે, પાકિસ્તાનમાં વધતા તણાવને કારણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે તેની A ટીમનો પ્રવાસ રદ્દ કરી દીધો છે, પરંતુ આ બેઠકમાં PCBના વલણમાં કોઈ સુધારો થવાની સંભાવના નથી.