અમદાવાદનો સૌથી વ્યસ્ત અંડરપાસ આજથી 5 દિવસ બંધ! જાણો વૈકલ્પિક રૂટ

By: Nation Gujarat Team
03 Apr, 2026

Shahibaug Underpass: અમદાવાદીઓ માટે ફરી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા અંડરપાસ શાહીબાગ વિસ્તારમાં અવરજવર કરતા વાહનચાલકો ખાસ જાણી લેજો..પશ્ચિમ રેલવે દ્વારા હાથ ધરવામાં આવનાર સમારકામને પગલે શાહીબાગ અંડરપાસના ટ્રાફિકમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.

સમારકામનો સમય અને શું છે માહિતી
પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગ દ્વારા શાહીબાગ અંડરપાસ નંબર 731 A ખાતે જાળવણી અને સમારકામનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરીને કારણે તા 3 એપ્રિલથી 7 એપ્રિલ સુધી બંધ રાખવાામં આવશે. દરરોજ બપોરે 12:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી અંડરપાસ સંપૂર્ણ બંધ રહેશે. આ સમય દરમિયાન અંડરપાસના ત્રણેય એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ વાહનો માટે બંધ રહેશે.

વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગો
ટ્રાફિકની સમસ્યાથી બચવા માટે તંત્ર દ્વારા રિવરફ્રન્ટ માર્ગનો મહત્તમ ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. વાહનચાલકો નીચે મુજબના વૈકલ્પિક રસ્તાઓ અપનાવી શકે છે. જેમાં દિલ્હી દરવાજા અને સુભાષબ્રિજ તરફથી આવતા અને એરપોર્ટ અથવા ગાંધીનગર જવા ઇચ્છતા વાહનચાલકો સુભાષબ્રિજના છેડે શિલાલેખ ફ્લેટ પાસેથી રિવરફ્રન્ટ માર્ગનો ઉપયોગ કરી ડફનાળા મારફતે આગળ વધી શકશે.

એરપોર્ટ અને ગાંધીનગરથી આવતા વાહનચાલકો પણ આજ માર્ગનો ઉપયોગ કરી શહેરના જુદાજુદા વિસ્તારોમાં જઈ શકશે. જ્યારે અસારવા, ગીરધરનગર, થઈ દિલ્હી દરવાજા અને કાલુપુર જવા માટે શાહીબાગ મહાપ્રજ્ઞજી બ્રિજનો ઉપયોગ પણ કરી શકાશે. ગીરધરનગર અને અસારવા તરફથી ગાંધીનગર અથવા એરપોર્ટ જવા માટે શાહીબાગ મારફતે એનેક્ષી, ગાયત્રી મંદિર અને આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારમાંથી પસાર થઈ ઇન્દિરા બ્રિજ તરફ જઈ શકાશે.

મહત્વનું છે કે, બપોરના સમયે એરપોર્ટ કે રેલવે સ્ટેશન જવાનું આયોજન હોય તો સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને ઘરેથી વહેલા નીકળવું અથવા ઉપર જણાવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો જેથી ટ્રાફિકમાં અટવાવું ન પડે.


Related Posts

Load more