છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલા કાવીઠા ગામમાં હડકાયા કૂતરાએ ભારે આતંક મચાવ્યો છે. રાત્રિના સમયે પોતાના ઘરની બહાર આરામ કરી રહેલા ગ્રામજનો પર કૂતરાએ અચાનક હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં 12 થી વધુ લોકોને કૂતરાએ ગંભીર રીતે બચકાં ભરી લેતા આખા ગામમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.
હડકાયા કૂતરાના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોમાંથી 2 વ્યક્તિઓની હાલત અત્યંત ગંભીર દર્શાવવામાં આવી રહી છે. એક યુવકના મોઢાના ભાગે કૂતરાએ ગંભીર રીતે બચકાં ભર્યા હોવાથી તેને તાત્કાલિક વધુ સારવાર અર્થે વડોદરા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે. અન્ય ઈજાગ્રસ્તોને પણ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
હડકાયા કૂતરાનો કોપ માત્ર માનવીઓ સુધી સીમિત રહ્યો નથી. રાત્રિ દરમિયાન રખડતા આ હડકાયા કૂતરાએ ગામના આશરે 10 જેટલાં દૂધાળા પશુઓને પણ બચકાં ભરી લીધા હતા. પશુઓ પણ હડકાયા કૂતરાનો ભોગ બનતા પશુપાલકોમાં ચિંતાની કાળી ડિબંગ છાયા ફરી વળી છે અને પશુઓના સ્વાસ્થ્યને લઈને સવાલો ઊભા થયા છે.
કૂતરાના આતંકને કારણે કાવીઠા ગામના લોકો રાત્રે ઊંઘી પણ શકતા નથી. ગામમાં એવો ભયનો માહોલ છે કે લોકો હવે ઘરની બહાર નીકળતી વખતે હાથમાં લાકડીઓ લઈને ફરવા માટે મજબૂર બન્યા છે. કૂતરું સામે દેખાય તો તેને ભગાડવા કે મારવા દોડવું પડે તેવી અસામાન્ય અને ડરજનક સ્થિતિ નિર્માણ પામી છે. સ્થાનિકો દ્વારા તંત્ર તાત્કાલિક આ હડકાયા કૂતરાને પકડીને યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી રહી છે.