સાળંગપુર: કષ્ટભંજનદેવના 176મા પાટોત્સવની તૈયારીઓ શરૂ, આ તારીખે થશે ભવ્ય ઉજવણી

By: nationgujarat
13 Oct, 2024

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકમાં આવેલું છે લાખો ભક્તોના આસ્થાનું કેન્દ્ર એવું સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનું મંદિર. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરની સ્થાપનાને 176 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તે નિમિતે ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દાદાનો 176મો વાર્ષિક પાટોત્સવ સંવત 2080ના આસો વદ-5, તારીખ 21-10-2024, સોમવારના રોજ ઉજવાશે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

આ કાર્યક્રમ અંતર્ગત દાદાના ભવ્ય શણગાર સાથે આરતીનું આયોજન કરવામાં આવે છે. પાટોત્સવ નિમિત્તે હનુમાનજી દાદાની છડીનો પણ અભિષેક કરવામાં આવશે. એક દિવસ અગાઉથી જ મંદિરમાં દેશ વિદેશથી ભક્તજનો દર્શન માટે ઉમટી પડે છે

આ પ્રસંગે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ના વક્તા પદે ત્રિદિનાત્મક શ્રી હનુમંત ચરિત્ર કથાનું આયોજન તારીખ 19-10-2024 શનિવારથી 21-10-2024 સોમવાર સુધી રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે મહારાજ એવમ્ સંતોના વરદ્ હસ્તે અભિષેક પાટોત્સવ તથા મારૂતિ યજ્ઞમાં શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન થશે. આ ઉપરાંત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દિવ્ય દર્શન, અભિષેક, અન્નકૂટ, યજ્ઞ દર્શન, કથા શ્રવણ તથા બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન-આશીર્વચન અને મહાપ્રસાદનો લાભ લેઈ શકશે

આસો વદ પાંચમે થઈ હતી મંદિરની સ્થાપના

વિક્રમ સવંત 1905માં આસો વદ પાંચમના દિવસે સાળંગપુરમાં હનુમાનજી મહારાજની ની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને સમય જતા ખૂબ જ સુંદર મંદિર બનાવવામાં આવ્યું હતું અને તેમાં હનુમાનજીની મૂર્તિ વિધિવત રીતે સ્થાપિત કરવામાં આવી હતી.

સ્વામિનારાયણ ભગવાનના સંત ગોપાળાનંદ સ્વામીએ કરી હતી સ્થાપના

લાખો લોકોની વ્યાધિ અને પીડા થાય છે તેવા સાળંગપુર ધામ ખાતે હનુમાનજી મહારાજની સ્થાપના સ્વામિનારાયણ ભગવાનના વરિષ્ઠ સંત એવા ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. એવી કથા છે કે સાળંગપુરના દરબાર વાઘા ખાચરની આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને તેમના આંગણે થઈને સંતો ભક્તો ગઢડા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે જતા હતા. પરંતુ નબળી આર્થિક પરિસ્થિતિના કારણે વાઘા ખાચર સંતો ભક્તોની સેવા કરી શકતા નહોતા અને વ્યથિત રહેતા હતા. આવા સમયે ગોપાળાનંદ સ્વામીએ તેમને કહ્યું કે, ‘હું તમને પ્રતાપી હનુમાનજીની સ્થાપના કરી આપું છું અહી દેશ વિદેશથી કરોડો લોકો પોતાની વ્યાધિ દૂર કરવા આવશે. તે નિમિત્તે જે આવક થાય તેનાથી તમે સંતો ભક્તોની સેવા કરજો.’

આમ કહીને તેમણે પોતાના હાથે એક સુંદર ચિત્ર બનાવ્યું અને શિલ્પકારને આ ચિત્ર અનુસાર કારીગરને ખૂબ જ સુંદર મૂર્તિ બનાવવા કહ્યું. તેમણે જે ચિત્ર બનાવ્યું હતું તેમાં હનુમાનજીએ શનિદેવને પગ નીચે દબાવી દીધા હતા તે જ પ્રસંગને દર્શાવતી મૂર્તિ આજે સાળંગપુર મંદિરમાં બિરાજમાન છે. ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજીની સ્થાપના કરીને ચમત્કારિક છડી મૂકી જેના સ્પર્શથી આજે પણ અહીં કરોડો લોકોને પોતાની મૂંઝવણમાંથી અને આધિ વ્યાધિ ઉપાધિમાંથી છૂટકારો મળે છે અને માનસિક શાતા મળે છે. અને ગોપાળાનંદ સ્વામી દ્વારા પ્રતિષ્ઠિત કરવામાં આવેલી છડી પણ અહીં દર્શન માટે રાખવામાં આવી છે.


Related Posts

Load more