સાબરકાંઠા જિલ્લાના રાજકારણમાં વધુ એક મોટો આચકો આવ્યો છે. પ્રાંતિજ નગરપાલિકાના શાસક પક્ષના એક સાથે 15 જેટલા કોર્પોરેટરોએ સામુહિક રાજીનામાં ધરી દેતા જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચા ચાલી રહી છે. સ્થાનિક સ્તરે ચાલી રહેલો વિવાદ હવે ચરમ સપાટીએ આવી પહોંચ્યો છે. નારાજ કોર્પોરેટરોએ સો.મીડિયાના માધ્યમથી સિધા જિલ્લા પ્રમુખને પત્ર મોકલીને રાજીનામાંની જાહેરાત કરી દીધી છે. આ ઘટના પગલે હવે ભાજપ સંગઠન હવે ડ્રેમેજ કંટ્રોલમાં લાગી ગયુ છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આખા વિવાદના મુળમાં નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન પંડયા સામેની નારાજગી છે. કોર્પોરેટરોનો આક્ષેપ છે કે, વહિવટી કામોમાં પ્રમુખ અનિતાબેન પંડયાના પતિ જીગ્નેશ પંડયાની હમેશા દખલગીરી થતી હોય છે અને સભ્યોની અવગણના કરવામાં આવે છે.
પ્રમુખના પતિની જોહુકમી અને કથિક વહિવટી જો હુકમ ના કાર્યોથી કંટાળેલા કોર્પોરેટરોએ આખરે સામુહિક રાજીનામું ધરીને પ્રદેશ સંગઠનની આંખ ઉઘાડવાનું કાર્યકર્યુ છે. તમામ સભ્યોએ એક જ સુરમાં કહ્યુ છે કે પ્રમુખ ને બદલવામાં આવે. જો કે સુત્રનુ માનીએ તો આ બાબતે પ્રદેશથી પણ પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ સભ્યો માનવા તૈયાર થયા નથી. ભાજપ સંગઠન દ્વારા હિમંતનગર પ્રાંતિજ હાઇવે પર આવેલ એક ખાનગી હોટલાં ગુપ્ત બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા પ્રમુખ,જિલ્લા મહામંત્રી અને જિલ્લાના પ્રભારી પણ ઉપસ્થિત છે. જિલ્લા ટીમે તમામ સભ્યોને એકાંતમાં મળીને તેમની ફરિયાદો અને રજૂઆત સાંભળી હતી. સભ્યોને આશ્વસન આપવામાં આવ્યું છે કે ટુંક સમયમાં પ્રમુખ ને બદલી નાખવામાં આવશે. વિવાદ વધુ ન વકરે તે માટે સભ્યોને મીડિયા સમક્ષ કોઇ પણ નિવેદન ન કરવા કડક સુચના આપવામાં આવી છે.