કેન્સરના દર્દીઓ માટે ખુશખબરી! રશિયાએ બનાવી લીધી વેક્સિન, કેટલી હશે કિંમત અને ક્યારે થશે ઉપલબ્ધ? Russia Cancer Vaccine:

By: nationgujarat
07 Sep, 2025

Russia Cancer Vaccine: કેન્સર જેવી જીવલેણ બીમારી સામેની લડાઈમાં એક મોટી સફળતા મળી છે. રશિયાની કેન્સર વેક્સિન પ્રીક્લિનિકલ ટ્રાયલમાંથી પસાર થઈ ગઈ છે અને ઉપયોગ માટે તૈયાર છે. નવી mRNA-આધારિત કેન્સર વેક્સિન 3 વર્ષના ટ્રાયલમાં સલામત અને અસરકારક હોવાની પુષ્ટિ થઈ છે. આ માહિતી રશિયાની ફેડરલ મેડિકલ એન્ડ બાયોલોજિકલ એજન્સીના હેડ વેરોનિકા સ્કોર્તસોવાર દ્વારા આપવામાં આવી છે. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, આ વેક્સિન પર ઘણા વર્ષોથી સંશોધન કરવામાં આવી રહ્યું છે અને તેનું પ્રીક્લિનિકલ ટ્રાયલ 3 વર્ષથી ચાલી રહ્યું હતું.

આ વેક્સિન કેવી રીતે કરશે કામ?
રશિયાની કેન્સર વેક્સિન mRNA ટેકનોલોજી પર આધારિત છે, જે દરેક દર્દીના RNA અનુસાર કસ્ટમાઇઝ કરવામાં આવશે. આ વેક્સિન ટ્યૂમરનું કદ ઘટાડશે અને તેના ગ્રોથને સ્લો કરે છે. સ્કોર્તસોવાર આ અંગે જણાવ્યું કે, ટ્રાયલ દરમિયાન વેક્સિનથી ટ્યૂમરને સંકોચવામાં અને તેના ગ્રોથને સ્લો કરવામાં ખૂબ સારા પરિણામો જોવા મળ્યા છે. મતલબ કે, આ વેક્સિન ટ્યૂમરનું કદ 60% થી 80% ઘટાડી શકે છે. સૌથી સારી વાત એ છે કે, વારંવાર ઉપયોગ કર્યા પછી પણ તેની અસર ઓછી થતી નથી. મતલબ કે તે ઉપયોગ માટે સંપૂર્ણપણે તૈયાર છે.

કયા કેન્સર પર રહેશે અસરકારક?
રશિયાની કેન્સર વેક્સિન mRNA ટેકનોલોજી પર આધારિત છે. તે ટ્યૂમરના કદને 60 થી 80% સુધી ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. જો કે, તેની અસર બધા કેન્સર પર સમાન નથી. કોલોરેક્ટલ કેન્સર આ રસીનું સૌથી પહેલું ટાર્ગેટ છે, એટલે કે, કોલોન કેન્સર પર તેનું પરીક્ષણ ખૂબ સારું રહ્યું છે. આ ઉપરાંત બ્રેન કેન્સર ગ્લિઓબ્લાસ્ટોમા અને સ્કિન કેન્સર મેલાનોમા માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે.

કેટલા રૂપિયામાં મળશે વેક્સિન?
રશિયાના આરોગ્ય મંત્રાલયે આ કેન્સર રસીને એક નવા અને ખાસ નિયમ હેઠળ મંજૂરી આપી છે. તેનું કારણ એ છે કે, તે અન્ય દવાઓથી અલગ છે, તે દરેક દર્દી માટે અલગ રીતે બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ રસીના એક ડોઝની કિંમત લગભગ 300,000 રુબેલ્સ એટલે કે 2.5 લાખ રૂપિયા હોઈ શકે છે. જો કે, રશિયાની સરકારે તેને રશિયાના નાગરિકોને મફતમાં આપવાની યોજના બનાવી છે.

સામાન્ય લોકોને ક્યારે મળશે વેક્સિન?
કેન્સરની વેક્સિનનું પ્રથમ માનવ પરીક્ષણ સપ્ટેમ્બર-ઓક્ટોબર 2025માં શરૂ થવાની ધારણા છે.


Related Posts

Load more