ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે મિની હરાજી મંગળવારે (19 ડિસેમ્બર) દુબઈમાં થઈ હતી. હવે ટુર્નામેન્ટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આઈપીએલની આગામી સિઝન માર્ચથી મે વચ્ચે રમાઈ શકે છે. પરંતુ આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સને 5 વખત ચેમ્પિયન બનાવનાર પૂર્વ કેપ્ટન રોહિત શર્મા ચર્ચામાં છે.
મુંબઈ ફ્રેન્ચાઈઝીએ તાજેતરમાં જ રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. આવી સ્થિતિમાં હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું રોહિત ટ્રેડ વિન્ડો દરમિયાન મુંબઈની ટીમ છોડી દેશે? દરમિયાન, કેટલાક ચાહકો અને મીડિયા અહેવાલોએ એમ પણ કહ્યું કે રોહિત ટ્રેડ વિન્ડો હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમમાં જઈ શકે છે.
મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઈ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. પરંતુ આ તમામ સમાચારો વચ્ચે ચેન્નાઈ ફ્રેન્ચાઈઝીએ આવા સમાચારોને ફગાવી દીધા હતા. ફ્રેન્ચાઈઝીના સીઈઓ કાસી વિશ્વનાથને હરાજીની વચ્ચે કહ્યું કે તેમની ટીમ રોહિતને લેવાના મૂડમાં નથી. આ તમામ સમાચાર અફવા છે.
વિશ્વનાથને કહ્યું, ‘મુખ્યત્વે અમે ખેલાડીઓનો TREND કરતા નથી અને અમારી પાસે મુંબઈ ઈન્ડિયન્સ સાથે TREND કરવા માટે ખેલાડીઓ પણ નથી. અમે તેમનો સંપર્ક કર્યો નથી અને અમારો ઇરાદો પણ નથી. તેમણે તે મીડિયા અહેવાલોને રદિયો આપ્યો હતો કે ચેન્નાઈની ટીમ MI ખેલાડીઓનો ટ્રેંડ કરવા માંગે છે.
તાજેતરમાં ક્રિકબઝે પણ રોહિતને લઈને એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલા એક અધિકારીને ટાંકીને તેણે લખ્યું કે રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહને લઈને મીડિયામાં બિનજરૂરી અહેવાલો ચાલી રહ્યા છે. તેઓ ક્યાંય જઈ રહ્યા નથી અને મુંબઈની ટીમ આ તમામ ખેલાડીઓને પોતાની સાથે રાખશે.
આ અધિકારીએ એમ પણ કહ્યું કે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાનો નિર્ણય લેતા પહેલા તમામ ખેલાડીઓની સંમતિ લેવામાં આવી હતી, જેમાં રોહિત પોતે પણ સામેલ હતો. તેથી બીજી બધી વસ્તુઓ નકામી છે. દરેક ખેલાડી આ નિર્ણય માટે સહમત છે.
2013થી મુંબઈની કેપ્ટનશિપ કરતી વખતે રોહિતે મુંબઈ ઈન્ડિયન્સને 5 વખત આઈપીએલ ચેમ્પિયન બનાવ્યું હતું. IPLની છેલ્લી બે સિઝનમાં રોહિતનું ફોર્મ ખૂબ જ ખરાબ રહ્યું છે. રોહિતે 2023 IPLમાં 16 મેચમાં 20.75ની એવરેજ અને 132.80ની સ્ટ્રાઈક રેટથી 332 રન બનાવ્યા હતા. 2022માં તેણે 14 મેચોમાં 19.14ની એવરેજ અને 120.18ની સ્ટ્રાઈક રેટથી 268 રન બનાવ્યા હતા. સરેરાશના હિસાબે રોહિતના ફોર્મમાં ચોક્કસ ઘટાડો જોવા મળ્યો છે.