આ ચાર નેતા પાટીલને મારા વિશે ગેરમાર્ગે દોરે છે, – મનસુખ વસાવા

By: nationgujarat
10 Sep, 2023

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં કંઈકને કંઈક ખળબળાટ દેખાતો થયો છે. કોઈ નેતા પાર્ટી છોડીને અન્ય પાર્ટી સાથે જોડાઈ રહ્યાં છે. તેવામાં આજરોજ ભાજપમાં આંતરીક વિખવાદ જોવા મળ્યો હતો. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં વડોદરા અને નર્મદાનો વારો આવે એ પહેલા જ સાંસદ મનસુખ વસાવાએ કોઈ કારણસર વોકાઉટ કર્યું હતું. જે બાદ મીડિયામાં આ બાબતે જોર પકડ્યું હતુ. ત્યારે આજે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ તે બાબતે ચૂપી તોડી ભાજપના હદ્દેદારો સામે રોષ ઠાલવતા કહ્યું હતું કે, હું સાચો છું જો નહીં બોલું તો આ લોકો મારા વિષે વધુ ઝેર પ્રદેશ કક્ષાએ ભરશે. આવનારી લોકસભામાં મને ટિકિટ મળે કે ન મળે એનાથી મને કોઈ નિસબત નથી પણ હું પ્રજા માટે પહેલા પણ ઉભો હતો અને આગળ પણ ઉભો રહીશ.

પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે તમામ જિલ્લાના સંગઠનના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક ગાંધીનગર ખાતે કમલમમાં બોલાવી હતી. જ્યાં ભરૂચ અને નર્મદાની બાબતો પર ચર્ચા પહેલા જ સાંસદ મનસુખ વસાવા વોકઆઉટ કરી દેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા અને પ્રદેશ ભાજપમાં રાજકારણ ગરમાયું હતું. સાચાબોલાની છાપ ધરાવતા અને સિનિયર નેતા સાંસદ મનસુખ વસાવા અચાનક પાર્લામેન્ટરી બોર્ડ છોડીને જતા રહ્યા હોવાની ઘટના કદાચ ઇતિહાસમાં પહેલી બની છે. આ ઘટના પાછળ સ્થાનિક આગેવાનો પ્રદેશ કક્ષાએ સાંસદ વિરુદ્ધ વાતો કરી પ્રદેશ કક્ષાના નેતાઓને ગેરમાર્ગે દોરી આ પરિસ્થિતિને જન્મ આપ્યો હોવાનો રોષ સાંસદે મીડિયા સમક્ષ ઠાલવ્યો હતો.

ભાજપ પાર્ટી માટે લડતો આવ્યો છું અને લડતો રહીશ
સાંસદ મનસુખ વસાવાએ આ ઘટના વિશે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, જો આજે નહિ બોલું તો આ વિરોધી લોકો મારા વિશે વધુ ઝેર પ્રદેશ કક્ષાએ ભરશે. હું પ્રદેશ અધ્યક્ષને રૂબરૂ મળી જરૂરી ખુલાસો પણ કરીશ પણ હાલ મારા વિરોધીઓને પ્રજા સામે ખુલ્લા પાડવા પડશે. આજે નવા નિશાળિયાઓ હોદ્દાઓ પર શું બેસી ગયા છે. પાર્ટીના પાયાના કાર્યકરોને હાંસિયામાં ધકેલવાનો પ્રયાસ કરે છે, પણ હું પાર્ટી વિરોધી કામ નહીં થવા દઉં. આ જે લોકો મારો વિરોધ કરે છે તેમને કોન્ટ્રાક્ટ કરવો છે, રેતી ખનન કરવી છે, જેનાથી લોકો નારાજ છે. હું હંમેશા આદિવસી સમાજ અને ભાજપ પાર્ટી માટે લડતો આવ્યો છું અને લડતો રહીશ.

છબી ખરડાવાની કોશિશ કરી તો નહીં ચલાવી લઉ’
જો કોઈએ પાર્ટીની છબી ખરડાવાની કોશિશ કરી તો કોઈપણ સંજોગોમાં નહીં ચલાવી લઉ, કેમકે અમે ઘર્ષણ અને સંઘર્ષ બંને જોયો છે. આજે જ્યારે ઝઘડિયા સીટ ભાજપે જીતી છે તે રાતોરાત નથી જીતાઈ. તેમાં અમારી કેટલી મહેનત છે તે આજના હોદ્દેદારોને નહીં સમજાય. તે લોકોને ફક્ત પ્રદેશ આધ્યક્ષ સી.આર પાટીલને મારાં વિશે ગેરમાર્ગે દોરવાનું કામ જ આવડે છે.

‘આ ટોળકીના લોકો મને બદનામ કરવાનું કાવતરું રચે છે’
મારા વિરૂદ્ધ ઉચ્ચ કક્ષાએ નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ, સુગર ફેક્ટરીના ચેરમેન એવા ઘનશ્યામ પટેલ પોતાનો સહકારનો ક્ષેત્ર કેમ મજબૂત થાય તે એંગલથી જ વિચારતા હોય છે જ્યારે પાર્ટીનો વ્યાપ વધે તે દિશામાં ક્યારેય વિચારતા નથી, ઝઘડિયાના ધારાસભ્ય કાલાભાઈ ઉર્ફે રિતેશ વસાવા અને ઝઘડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ આ ચાર લોકોની ટોળકી અને તેમના સાથે જોડાયેલા કેટલાક લોકો અધ્યક્ષને ગેરમાર્ગે દોરે છે તેવો ખુલ્લો આક્ષેપ સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ કર્યો હતો. સાથે જણાવ્યું હતું કે, મને ટિકિટ મળે કે ન મળે એની સાથે મને કોઈ નિસબત નથી. જે મોટા નેતાઓ રેતી માફિયાઓ અને ઉદ્યોગપતિઓ સાથે જોડાયેલ છે, જે સત્તાનો દૂર ઉપયોગ કરી ખોટા કામ કરવા મને બદનામ કરી રહ્યા છે. તેમના સામે મને રોષ છે. મેં લોકો માટે કામ કર્યું છે અને કરતો રહીશ પણ ખોટું નહીં ચલાવી લઉ.


Related Posts

Load more