Reliance Ice Cream : મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ દ્વારા આઈસ્ક્રીમ માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરવામાં આવી છે. કંપનીએ ગ્રાહકો માટે અત્યંત સસ્તા દરે આઈસ્ક્રીમ ઉપલબ્ધ કરાવવા માટે ‘બોમ્બે ક્રીમરી’ નામની નવી બ્રાન્ડ બજારમાં ઉતારી છે.
રિલાયન્સના આ નવા પ્રોડક્ટ વેન્ચર હેઠળ આઈસ્ક્રીમની શરૂઆતી કિંમત માત્ર 10 રૂપિયા રાખવામાં આવી છે. આ ખાસ રેન્જ દ્વારા કંપનીનું લક્ષ્ય સામાન્ય લોકો અને મધ્યમ વર્ગના ગ્રાહકોને આકર્ષવાનું છે. બ્રાન્ડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ આઈસ્ક્રીમ શુદ્ધ ડેરી ઇન્ગ્રીડિયન્ટ્સ અને અસલી ડેરી ક્રીમમાંથી તૈયાર કરવામાં આવી છે, જેથી સસ્તી કિંમત હોવા છતાં ગુણવત્તામાં કોઈ સમજૂતી કરવામાં આવી નથી.
ગ્રાહકો માટે બજારમાં કોન, કપ, ટબ, બાર અને સ્ટીક આઈસક્રિમ જેવા વિવિધ વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલમાં આ નવી બ્રાન્ડની શરૂઆત પશ્ચિમ ભારતના બજારોથી કરવામાં આવી છે, જેને તબક્કાવાર સમગ્ર દેશમાં વિસ્તૃત કરવામાં આવશે. અગાઉ ‘કેમ્પા’ કોલ્ડ ડ્રિંક્સ દ્વારા સોફ્ટ ડ્રિંક્સ માર્કેટમાં મોટો ઘટાડો લાવીને હરિફાઈ વધારનાર રિલાયન્સ હવે અમુલ, મધર ડેરી અને ક્વાલિટી વૉલ્સ જેવી મોટી આઈસ્ક્રીમ કંપનીઓને સખત ટક્કર આપવા માટે તૈયાર છે.