RCB vs GT : ગુજરાતે બેંગલુરુને હરાવ્યું, ગીલ-અર્શદ ખાન છવાયા, ભુવનેશ્વરની મહેનત એડે ગઈ

By: Nation Gujarat Team
01 May, 2026

આઈપીએલમાં આજે ગુજરાત ટાઈટન્સનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે 4 વિકેટે વિજય થયો છે. બેંગલુરુની ટીમ 19.2 ઓવરમાં માત્ર 155 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેની સામે ગુજરાતની ટીમે 15.5 ઓવરમાં 6 વિકેટે 158 રન બનાવી વિજય મેળવ્યો છે. ગુજરાત તરફથી શુભમન ગીલે લડાયક બેટિંગ કરીને તો અર્શદ ખાને દમદાર બોલિંગ કરીને ટીમને વિજય અપાવ્યો છે, જ્યારે દેવેદુત પડ્ડીકલની વિસ્ફોટ બેટિંગ અને ભુવનેશ્વર કુમારની દમદાર બોલિંગ છતાં બેંગલુરુની હાર થઈ છે.

બેંગલુરુના પડિક્કલના સૌથી વધુ રન

બેંગલુરુ તરફથી દેવદત્ત પડિક્કલે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા, જ્યારે વિરાટ કોહલીએ 13 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી આક્રમક 28 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન રજત પાટીદારે 19 રન અને રોમારિયો શેફર્ડે 17 રન બનાવ્યા હતા, પરંતુ મધ્યક્રમના અન્ય બેટ્સમેનો ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા.

અર્શદ ખાનની શાનદાર બોલિંગ, રબાડા ધોવાયો

ગુજરાત તરફથી અર્શદ ખાને માત્ર 3.2 ઓવરમાં 22 રન આપીને 3 મહત્વની વિકેટ ઝડપી હતી. રાશિદ ખાને અત્યંત 4 ઓવરમાં માત્ર 19 રન આપીને 2 વિકેટ મેળવી હતી, જ્યારે જેસન હોલ્ડરે પણ 4 ઓવરમાં 29 રન આપી 2 સફળતા મેળવી હતી. મોહમ્મદ સિરાજ અને કગિસો રબાડાને 1-1 વિકેટ મળી હતી, જોકે રબાડા થોડો મોંઘો સાબિત થયો હતો અને તેણે 4 ઓવરમાં 44 રન આપ્યા હતા.

શુભમન ગિલની શાનદાર બેટિંગ

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે શાનદાર ફોર્મ બતાવતા 18 બોલમાં 43 રન ફટકાર્યા હતા, જેમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. જોસ બટલરે આક્રમક મિજાજ જાળવી રાખી 19 બોલમાં 39 રન અને રાહુલ તિવેટીયાએ 17 બોલમાં અણનમ 27 રન ફટકારી મહત્વનું યોગદાન આપ્યું હતું. જ્યારે સાંઈ સુદર્શન 6 રન, વોશિંગ્ટન સુંદર 12 રન, એમ.શાહરુખ ખાન 8 રન, જેશન હોલ્ડર 12 રન, રાશીદ ખાને 6 બોલમાં અણનમ 7 રન નોંધાવી ટીમને વિજય અપાવ્યો છે.

ભુવનેશ્વર કુમારની ત્રણ વિકેટ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી ભુવનેશ્વર કુમારે ઘાતક બોલિંગ પ્રદર્શન કરતા સાઈ સુદર્શન, શુભમન ગિલ અને જોસ બટલર એમ ત્રણ મહત્વની વિકેટો ઝડપી હતી. તો રોમારીયો શેફર્ડે બે વિકેટ અને શુયેશ શર્માએ એક વિકેટ ઝડપી હતી.

પોઈન્ટ ટેબલમાં ગુજરાત-બેંગલુરુની સ્થિતિ

પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ગુજરાતે અત્યાર સુધીમાં કુલ 9 મેચો રમી છે, જેમાંથી પાંચમાં વિજય અને ચારમાં હાર થઈ છે. પોઈન્ટ ટેબલમાં ગુજરાત 10 પોઈન્ટ સાથે પાંચમાં ક્રમાંકે છે. જ્યારે બેંગલુરુએ અત્યાર સુધીમાં 9 મેચ રમીને છમાં વિજય મેળવ્યો અને ત્રણ મેચ ગુમાવી છે. બેંગલુરુ 12 પોઈન્ટ સાથે બીજા ક્રમાંકે છે.


Related Posts

Load more